દિલ્હીના CM પદેથી અરવિંદ કેજરીવાલ રાજીનામું આપશે?

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે સંમેલનને સંબોધિત કરતાં કહ્યું હતું કે શું તેઓ ધરપકડ થવાની સ્થિતિમાં પણ જેલમાંથી મુખ્ય પ્રધાન તરીકે કામ કરતા રહેશે કે રાજીનામું આપશે? તેમણે કહ્યું હતું કે મને મુખ્ય મંત્રીપદની કોઈ લાલચ નથી. હું કદાચ વિશ્વનો પહેલો મુખ્ય મંત્રી છું, જેણે 49 દિવસો પછી વગર કોઈના કહ્યે રાજીનામું આપી દીધું હતું.

તેમણે કાર્યકર્તા સંમેલનમાં ચૂંટણીનો શંખનાદ કર્યો હતો. તેમણે કાર્યકર્તાઓને ઘેરેઘેર જઈને ભાજપના કાવતરાઓ વિશે જણાવવા નિર્દેશ આપતાં કહ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને અહીંથી એક પણ સીટ ના મળવી જોઈએ.

તેમણે કહ્યું હતું કે અમે લોકો જેલ જવાથી નથી ડરતા. હું તો એક વાર 15 દિવસ જેલમાં રહી આવ્યો છું. જેલ જવાથી તમે પણ નહીં ડરતા. જો ભગત સિંહ આટલા દિવસ જેલમાં રહી શકે, મનીષ સિસોદિયા નવ મહિના જેલમાં રહી શકે. સત્યેન્દ્ર જેલ એક વર્ષ જેલમાં રહી શકે તો આપણ પણ જેલ જવાથી ના ડરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે રાજીનામું તો હું મારા જૂતાની નોક પર લઈને ચાલુ છું. મારે જેલથી સરકાર ચલાવવી જોઈએ કે રાજીનામું આપવું જોઈએ –એ માટે લોકોથી વિચારવિમર્શ કરી રહ્યો છું. મેં બધા વિધાનસભ્યો અને કોર્પોરેટરો સાથે ચર્ચા કરી છે. આજે મેં કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી છે. દિલ્હીની જનતાની મરજી વિના અમે કાંઈ નહીં કરીએ. દિલ્હીની જનતા જેમ કહે એમ અમે કરીશું.