મહારાષ્ટ્રના રાજકારણમાં શું અજિત દાદા, શરદ પવાર ફરી એકસાથે આવશે?

મુંબઈઃ છેલ્લાં પાંચ વર્ષોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણી ઊથલપાથલ થઈ છે.  આજે NCP ચીફ અને મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારે કાકા શરદ પવાર સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. આ મુલાકાત એટલા માટે ખાસ છે, કેમ કે આજે શરદ પવારનો જન્મદિન પણ છે.

મહારાષ્ટ્રમાં કેબિનેટની રચનાને લઇને બનેલા સસ્પેન્સ વચ્ચે ડેપ્યુટી CM અજિત પવારે NCP પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી ત્યારે તેમનાં પત્ની સુનેત્રા, NCP નેતા પ્રફુલ પટેલ, છગન ભુજબલ સહિત પાર્ટીના અન્ય નેતા પણ હાજર રહ્યા હતા.

આ તમામ નેતાઓએ શરદ પવારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ મુલાકાત પવારના 6 જનપદ આવાસ, દિલ્હીમાં થઇ હતી. તે બાદ અજિત પવારે કહ્યું કે જન્મદિવસના પ્રસંગે તેમને શરદ પવારને શુભેચ્છા પાઠવી છે. શરદ પવાર 85 વર્ષના થઇ ગયા છે. અજિત પવારે કહ્યું કે મુલાકાત દરમિયાન પારિવારિક વાતચીતની સાથે રાજકીય વાતચીત પણ થઇ હતી.

મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યા બાદ પણ હજુ સુધી કેબિનેટની રચના થઇ શકી નથી. મહાયુતિમાં સામેલ શિવસેના, NCP અને ભાજપની નજર મંત્રાલયની વહેંચણી પર છે. બુધવાર રાત્રે દિલ્હીમાં મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ઘરે એક બેઠક કરી હતી.

મહારાષ્ટ્રમાં મંત્રી મંડળ વિસ્તરણને લઇને કોકડું ઉકેલાય તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં 20 મંત્રી ભાજપના બનશે. શિંદે જૂથ શિવસેનાના 12 મંત્રી જ્યારે NCP અજિત પવાર જૂથના 10 મંત્રી બનશે. હજુ પણ ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગ એકનાથ શિંદે જૂથને મળશે કે કેમ તેને લઇને સસ્પેન્સ યથાવત્ છે. નાણાં મંત્રાલય અજિત પવારને મળે એવી શક્યતા છે.