નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લોકસભાના સદસ્ય તરીકે અયોગ્ય ઘોષિત કરાયા બાદ સરકાર તરફથી એમને આપવામાં આવેલો બંગલો ખાલી કરવાની એમને લોકસભા સચિવાલય તરફથી નોટિસ મળી છે. એને કારણે કોંગ્રેસ પાર્ટીમાં રોષ ફેલાયો છે. પણ ખુદ રાહુલે જ સચિવાલયને નોટિસનો જવાબ આપીને જણાવ્યું છે કે તેઓ આદેશનું પાલન કરશે અને સરકારી બંગલો ખાલી કરી દેશે.
સરકારી બંગલો ખાલી કરી દેવાની નોટિસ રાહુલને ગઈ કાલે મોકલવામાં આવી હતી. રાહુલે તેનો આજે જવાબ મોકલ્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલને માનહાનિના એક કેસમાં સુરતની કોર્ટે કસુરવાર જાહેર કરતા અને બે વર્ષની સસ્પેન્ડેડ સજા ફરમાવી છે. તે ચુકાદાને પગલે રાહુલનું સંસદસભ્યપદ આપોઆપ રદબાતલ થઈ ગયું છે. આ કેસ રાહુલે ‘મોદી અટક’ વિશે કરેલી એક ટિપ્પણીનો છે.