નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં નવી વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આજે ઉત્તર પ્રદેશમાં સાતમા અને આખરી રાઉન્ડનું મતદાન સમાપ્ત થયું છે. હવે 10 માર્ચે મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામોની જાહેરાત કરવામાં આવશે. ઉત્તર પ્રદેશની સાથે પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા રાજ્યોમાં પણ ચૂંટણી થઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં 403 સીટની વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે જ્યારે પંજાબમાં 117 સીટ, ગોવામાં 40, ઉત્તરાખંડમાં 70 અને મણિપુરમાં 60 સીટ માટે ચૂંટણી થઈ રહી છે. મતદાન પ્રક્રિયાની સમાપ્તિ સાથે જ જુદા જુદા પ્રચારમાધ્યમો અને પ્રકાશનગૃહો દ્વારા ચૂંટણી પરિણામ વિશે આગાહી કરવામાં આવી છે. એમણે મતદાન કરીને મતદાન મથકોમાંથી બહાર આવેલા મતદારોના કરેલા સર્વેક્ષણને પગલે આજે સાંજે પોતપોતાના એક્ઝિટ પોલ્સ જાહેર કર્યા છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપ જ સત્તા પર ચાલુ રહેશે
સર્વેક્ષણો અનુસાર, ભાજપ 222-245 સીટ જીતશે અને બહુમતી આસાનીથી પ્રાપ્ત કરી લેશે. આ રાજ્યમાં બહુમતી માટે 202 સીટ જીતવી પડે. 2017ની ચૂંટણીમાં ભાજપે 325 સીટ જીતી હતી.
ન્યૂઝએક્સ-પોલ્સ્ટ્રેટની આગાહી મુજબ ભાજપ તથા સાથી પક્ષો 211-225 સીટ જીતશે. કોંગ્રેસને 4-6, સમાજવાદી પાર્ટી અને સાથી પક્ષોને 146-160 અને બસપાને 14-24 સીટ મળી શકે છે. ઈટીજી રિસર્ચના અંદાજ મુજબ ભાજપ તથા સાથીઓને 230-245 સીટ મળશે જ્યારે કોંગ્રેસને 2-6, સમાજવાદી પાર્ટી અને સાથીઓને 150-165 તથા બસપાને 5-10 સીટ મળી શકે છે. રીપબ્લિક-સીએનએક્સની આગાહી મુજબ, ભાજપ તથા સાથીઓને 262-277 સીટ મળશે. જ્યારે સમાજવાદી પાર્ટીને 119-135, બસપાને 7-15 અને કોંગ્રેસને 3-8 સીટ મળી શકે છે.
પંજાબમાં આમ આદમી પાર્ટી આશ્ચર્ય સર્જશે
હાલ કોંગ્રેસશાસિત પંજાબમાં આમ આદમી પાર્ટી તેના હાથમાંથી સત્તા આંચકી જશે એવું એક્ઝિટ પોલ્સ કહે છે. અરવિંદ કેજરીવાલના વડપણ હેઠળની પાર્ટી સૌથી વધારે સીટ જીતશે. આ રાજ્યમાં બહુમતી માટે 59 સીટ જીતવી પડે.
AAPને 76-90 સીટ મળશે જ્યારે કોંગ્રેસને ફાળે 19-31 સીટ આવશે. શિરોમણી અકાલી દળને 7-11 જ્યારે ભાજપને 1-4 સીટ મળી શકે છે એવું ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાનો એક્ઝિટ પોલ કહે છે. રિપબ્લિક-સીએનએક્સના એક્ઝિટ પોલ અનુસાર, AAPને 62-70 સીટ મળી શકે છે. કોંગ્રેસને 23-31, શિરોમણી અકાલી દળને 16-24 અને ભાજપને 1-2 સીટ મળી શકે છે. ટુડેઝ ચાણક્યની આગાહી મુજબ, AAP પંજાબમાં 100 સીટ જીતશે. કોંગ્રેસને 10, શિરોમણી અકાલી દળને 6, ભાજપને 1 સીટ મળી શકે છે. ટાઈમ્સ નાઉ-વીટો એક્ઝિટ પોલ મુજબ, AAPને 70 સીટ મળશે. જ્યારે કોંગ્રેસને ભાગે 22, ભાજપને પાંચ અને શિરોમણી અકાલી દળને 22 સીટ મળશે. ઈટીજી રિસર્ચનો વરતારો કહે છે, AAP બહુમતી પ્રાપ્ત કરશે.
ઉત્તરાખંડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર
ઉત્તરાખંડ રાજ્યમાં વર્તમાન શાસક ભાજપને કોંગ્રેસ ટક્કર આપશે. બહુમતી માટે 36 સીટ જીતવી પડે.
ઈટીજી રિસર્ચના જણાવ્યા મુજબ, ઝી ન્યૂઝ-ડિઝાઈનબોક્સ્ડડની આગાહી છે કે કોંગ્રેસ 35-40 સીટથી આગળ રહેશે જ્યારે ભાજપને 26-30 સીટ મળશે. ટીવી9 ભારતવર્ષ-પોલ્સ્ટ્રલ એક્ઝિટ પોલ્સ કહે છે કે કોંગ્રેસ 33-35 સીટ જીતશે જ્યારે ભાજપને 31-33 સીટ મળશે. આમ આદમી પાર્ટીને 3 સીટ મળશે. ટાઈમ્સ નાઉ-વીટો કહે છે, ભાજપને ઉત્તરાખંડમાં 37 સીટ મળશે. કોંગ્રેસને 31 અને આપને એક જ બેઠક મળશે. રીપબ્લિક ટીવીનો એક્ઝિટ પોલ કહે છે, ભાજપને 35-39 સીટ મળશે જ્યારે કોંગ્રેસને 23-43 સીટ મળશે.
ગોવામાં રસાકસી થશે
ટચૂકડા રાજ્ય ગોવામાં શાસક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીની આગાહી છે. બહુમતી માટે 21 સીટ જીતવી પડે.
ભાજપ 17-20 સીટ જીતશે એવો ઈટીજી રિસર્ચનો વરતારો છે. કોંગ્રેસને 15-17, ટીએમસી જોડાણને 3-4 સીટ મળશે. જ્યારે અન્ય પક્ષોને 2-4 સીટ મળશે. ઈન્ડિયા ટીવી-ગ્રાઉન્ડ ઝીરોના અંદાજ મુજબ, ભાજપને 10-14 સીટ મળશે જ્યારે કોંગ્રેસ 20-25 સીટ પર જીત મેળવશે. ટીએમસી જોડાણને 3-5 જ્યારે અન્યોને 1-4 સીટ મળશે. ઈન્ડિયા ટીવી-સીએનએક્સની આગાહી છે કે ભાજપને 16-22 સીટ મળશે. કોંગ્રેસને 11-17 સીટ, ટીએમસી જોડાણને 1-2 તથા અન્યોને 4-7 સીટ મળશે. ન્યૂઝએક્સનો અંદાજ છે કે ભાજપને 17-19 સીટ મળશે જ્યારે કોંગ્રેસને 11-13, અન્યોને 3-11 સીટ મળશે. રિપબ્લિક ટીવીનો એક્ઝિટ પોલ કહે છે, ભાજપ અને કોંગ્રેસ બંને 13-17 સીટ વચ્ચે અટવાશે. ટીએમસીને 2-4 સીટ તથા અન્યોનને 2-10 સીટ મળશે. ટાઈમ્સ નાઉનો અંદાજ છે કે ભાજપને 14, કોંગ્રેસને 16, તથા અન્યોને 10 સીટ મળશે. ઝી ન્યૂઝના અંદાજ મુજબ, ભાજપને 13-18, કોંગ્રેસને 14-19, ટીએમસી જોડાણને 2-5, અન્યોને 2-6 સીટ મળશે.
મણિપુરમાં ભાજપ સત્તા જાળવશે
મણિપુરમાં ભારતીય જનતા પાર્ટી બહુમતી હાંસલ કરીને પોતાની સત્તા જાળવી રાખશે એવો એક્ઝિટ પોલ્સનો વરતારો છે. અહીં બહુમતી માટે 31 જીતવી પડે.
ઝી ન્યૂઝ-ડિઝાઈનબોક્સ્ડનો વરતારો છે કે ભાજપ આ રાજ્યમાં 32-38 સીટ જીતશે જ્યારે કોંગ્રેસને 12-17 સીટ મળશે. અન્ય પાર્ટીઓ 7-14 સીટ લઈ જશે. ઈન્ડિયા ન્યૂઝની આગાહી છે કે ભાજપને 23-28 સીટ મળશે. કોંગ્રેસને 10-14 સીટ મળશે. ન્યૂઝ18ની આગાહી છે કે ભાજપ 27-31 સીટ જીતશે જ્યારે ઈન્ડિયા ટીવી-ગ્રાઉન્ડ ઝીરો રિસર્ચની આગાહી મુજબ ભાજપ 26-31 સીટ મેળવશે.