યૂક્રેન-યુદ્ધમાં માર્યા ગયેલા નવીનનો મૃતદેહ ભારત લવાશે

નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે કહ્યું છે કે યૂક્રેનના ખાર્કિવમાં બોમ્બમારામાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી નવીન જ્ઞાનગૌદર શેખરપ્પાનો પાર્થિવ દેહ હાલ ત્યાં શબઘરમાં રાખવામાં આવ્યો છે. ખાર્કિવમાં બોમ્બમારો બંધ થાય એ પછી તે ભારત લાવવામાં આવશે. આ જાણકારી કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઈએ સમાચાર સંસ્થા એએનઆઈને આપી છે.

એક અઠવાડિયા અગાઉ રશિયાના લશ્કરી દળોએ ખાર્કિવ શહેર પર વિમાનમાંથી બોમ્બમારો કર્યો હતો ત્યારે નવીન એમાં સપડાઈ ગયા હતા અને એમનું મૃત્યુ થયું હતું. નવીન પાસે ખાદ્યપદાર્થો ખતમ થઈ ગયા હતા એટલે તે ખરીદવા માટે એ બહાર નીકળ્યા હતા. ખાર્કિવના ફ્રીડમ ચોક ખાતે એ પહોંચ્યા ત્યારે એક રશિયન રોકેટના હુમલાનો એ શિકાર બની ગયા હતા. નવીન કર્ણાટકના હાવેરી જિલ્લાના ચાલાગેરી ગામના રહેવાસી હતા અને ખાર્કિવ નેશનલ મેડિકલ યૂનિવર્સિટીમાં મેડિસીન વિષયનું શિક્ષણ મેળવવા ગયા હતા.