જિનેવાઃ બ્રિટનની યૂનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત મેલેરિયા બીમારી વિરોધી રસી R21/Matrix-M લેવાની વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ભલામણ કરવામાં આવી છે. સંસ્થાએ આ રસીની આવશ્યક સુરક્ષિતતા, ગુણવત્તા અને અસરકારકતાની વિસ્તૃતપણે ચકાસણી કર્યા બાદ તે ધારાધોરણો અનુસારની હોવાનું પ્રમાણપત્ર આપ્યું છે.
આ સમીક્ષા WHOના નિષ્પક્ષ સલાહકાર મંડળ – સ્ટ્રેટેજિક એડવાઈઝરી ગ્રુપ ઓફ એક્સપર્ટ્સ અને મેલેરિયા પોલિસી એડવાઈઝરી ગ્રુપ દ્વારા કરવામાં આવી છે અને તેમણે ભલામણ કરી છે કે R21/Matrix-M રસી મેલેરિયા બીમારીને રોકવા માટે ઉપયોગમાં લઈ શકાય એમ છે. બાળકોમાં મેલેરિયાને રોકતી WHOની ભલામણ પ્રાપ્ત દુનિયાની બીજી રસી છે. આ રસીનું નિર્માણ ઓક્સફોર્ડ યૂનિવર્સિટી ખાતે જેનર ઈન્સ્ટિટ્યૂટ અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સહયોગમાં તેમજ યૂરોપીયન એન્ડ ડેવલપિંગ કન્ટ્રીઝ ક્લિનિકલ ટ્રાયલ્સ પાર્ટનરશિપ, વેલકમ ટ્રસ્ટ, યૂરોપીયન ઈન્વેસ્ટમેન્ટ બેન્કના સહકારથી કરવામાં આવ્યું છે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટના અદર પૂનાવાલાએ કહ્યું છે, મેલેરિયા બીમારીએ દુનિયાભરમાં અબજો લોકોના જાન પર ખતરો કર્યો છે. WHO સંસ્થાએ અમે બનાવેલી રસીને મંજૂર કરી છે તે આ જીવલેણ બીમારી સામેનો સામનો કરવાના અમારા જંગમાં મોટી સિદ્ધિ સમાન છે. WHOની મંજૂરી અને ભલામણ પ્રાપ્ત થઈ ગઈ છે અને અતિરિક્ત રેગ્યૂલેટરી મંજૂરીઓ પણ મળી જશે એ પછી આવતા વર્ષના આરંભમાં R21/Matrix-M રસીના ડોઝ તૈયાર કરી શકાશે અને ઉપયોગમાં મૂકી શકાશે.