યોગી બાલકનાથઃ રાજસ્થાનમાં સીએમ પદ માટે મુખ્ય દાવેદાર

જયપુરઃ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય મહંત બાલકનાથને ‘રાજસ્થાનના યોગી આદિત્યનાથ’ તરીકે ઓળખવામાં આવે છે. બાલકનાથે આજે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં દમદાર દેખાવ કર્યો છે. તિજારા બેઠક પર એમણે કોંગ્રેસના ઉમેદવાર સામે મોટા માર્જિન સાથે જીત હાંસલ કરી છે.

મહંત બાલકનાથ માત્ર 40 વર્ષની ઉંમરના છે. તેઓ રાજસ્થાનમાં અલવાર બેઠક પરથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા છે. એમણે મતગણતરી પૂર્વે જ પત્રકારોને કહ્યું હતું કે, ‘આ વખતે રાજસ્થાનમાં ભાજપ 120થી વધારે સીટ જીતશે.’

આજે સવારે મતગણતરી શરૂ કરાઈ એ પૂર્વે બાલકનાથે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને દર્શન કર્યા હતા. ભાજપની આસાન જીત વિશે બાલકનાથનું કહેવું છે કે, ‘જનતા કોંગ્રેસથી છૂટકારો મેળવવા ઈચ્છતી હતી. કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચાર, મહિલાઓ પર અત્યાચારો, ગુનાખોરીના પ્રમાણમાં વધારો થયો છે.’

મહંત બાલકનાથ નાથ સમુદાયના છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ આ જ સમાજના છે. બાલકનાથે 6 વર્ષની ઉંમરે સંન્યાસ લઈ લીધો હતો. બાલકનાથ કહે છે, ‘હું સમાજની સેવા કરવા માગું છું.’