જિલ્લાનું નામ બદલવા પર લોકોએ પ્રધાનનું ઘર ફૂંક્યું

અમરાવતીઃ આંધ્ર પ્રદેશના અમલાપુરમમાં કોનાસિમા જિલ્લાનું નામ બદલવાને લઈ રાજકારણ શરૂ થયું છે. અહીં પોલીસ દ્વારા લોકો પર લાઠીચાર્જ કર્યા બાદ હિંસા ભડકી ગઈ હતી. અહીં ભીડ કોનાસીમા જિલ્લાનું નામ બદલીને બીઆર આંબેડકર કોનાસીમા જિલ્લા કરવાના પ્રસ્તાવનો વિરોધ કરી રહી છે.  આ હિંસામાં લોકોએ પરિવહનપ્રધાન પિનિપે વિશ્વરૂપાના ઘરને આગ ચાંપી હતી. પોલીસે પ્રધાન અને તેમના પરિવારને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.

આ દેખાવકારોએ એક પોલીસ વાહન અને શિક્ષણ સંસ્થાની બસને પણ આગ ચાંપી હતી. આ દેખાવકારોએ પથ્થરમારો કરતાં કેટલાય પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા.

રાજ્યના ગૃહપ્રધાન તાનેતી વનિતાએ આરોપ લગાવ્યો હતો. કેટલાક રાજકીય પક્ષો અને અસામાજિક તત્ત્વોએ આગ લગાડવા માટે લોકોને ભડકાવ્યા હતા. આ દુર્ઘટનામાં આશરે 20 કર્મચારીઓ ઘાયલ થયા છે. અમે આ કેસની તપાસ કરીશું અને દોષીઓને ન્યાયના કઠેડામાં લાવીશું.

ચોથી એપ્રિલે પૂર્વ ગોદાવરી જિલ્લાથી અલગ કરીને કોનાસીમા જિલ્લાની રચના કરવામાં આવી હતી. ગયા સપ્તાહે રાજ્ય સરકારે કોનાસીમા જિલ્લાનું બદલીને બીઆર આંબેડકર કોનાસીમા જિલ્લા કરવાનું પ્રારંભિક જાહેરનામું બહાર પાડીને લોકોથી મુસીબત વહોરી લીધી હતી.

આ પૃષ્ઠભૂમિમાં કોનાસીમા સાધના સમિતિએ નામ બદલવાના પ્રસ્તાવ પર વાંધો ઉઠાવ્યો હતો અને જિલ્લાનું નામ યથાવત્ કોનાસીમા રહેવાની માગ કરી છે. સમિતિએ જિલ્લાધિકારી હિમાંશુ શુક્લાને જિલ્લાના નામ બદલવાની સામે આવેદન આપવાના પ્રયાસ કરતા દેખાવોનું આયોજન કર્યું હતું.

તેલુગુ દેશમ પાર્ટી, ભાજપ, જન સેના અને કોંગ્રેસે રાજ્ય સરકારને અમલાપુરમની સ્થિતિ પર નિયંત્રણ નહીં મેળવવા બદલ નિષ્ફળ ગણાવી હતી.