યાસીન મલિકને આજીવન કેદની સજા ફરમાવાઈ

નવી દિલ્હીઃ ત્રાસવાદીઓને ભારતમાં ત્રાસવાદી કૃત્યો હાથ ધરવા માટે પૈસાની મદદ કરવા બદલ થોડા દિવસ પહેલા જ જેને અપરાધી જાહેર કરવામાં આવ્યો છે તે કશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની વિશેષ કોર્ટે આજે આજીવન કેદની સજા ફટકારી છે. મલિકને ફાંસીની સજા આપવાની ફરિયાદી NIA દ્વારા માગણી કરવામાં આવી હતી. મલિકને આજે સવારે સુરક્ષાના કડક બંદોબસ્ત હેઠળ અહીં પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. વિશેષ કોર્ટના આ ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારવાનો નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.

સ્પેશ્યલ જજ પ્રવીણ સિંહ સમક્ષની સુનાવણી દરમિયાન એનઆઈએના ધારાશાસ્ત્રીએ દલીલ કરી હતી કે યાસીન મલિક માટે ફાંસીની સજા જ એકદમ ઉચિત છે.

યાસીન મલિક સામે ક્રિમિનલ ષડયંત્ર ઘડવા, ભારત દેશ વિરુદ્ધ યુદ્ધ આદરવા, અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા તથા કશ્મીરમાં શાંતિના વાતાવરણને બગાડવાના આરોપ મૂકવામાં આવ્યા છે. આ તમામ આરોપ માટે મલિકને કોર્ટે અપરાધી જાહેર કરી દીધો છે.