મંકીપોક્સનો ફેલાવો ચિંતા કરાવનારોઃ નિષ્ણાતનો અભિપ્રાય

નવી દિલ્હીઃ નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI)ના કોવિડ-19 વર્કિંગ ગ્રુપના ચેરમેન ડો. એન.કે. અરોરાએ કહ્યું છે કે મંકીપોક્સ વાઈરસ કોરોનાવાઈરસ જેટલો ચેપી કે ગંભીર નથી, પરંતુ એનો ફેલાવો ચિંતાની બાબત જરૂર છે. કેન્દ્ર સરકારે આ સંદર્ભમાં નિષ્ણાતોની એક સમિતિની રચના કરી છે. આ બીમારીના ફેલાવા પર કોવિડ-19 જેટલી જ દેખરેખ રાખવામાં આવશે.

મંકીપોક્સ બીમારી શું છે

મંકીપોક્સ એક વાઈરસ છે જે જંગલી (તીણા દાંતવાળા કરડી ખાય એવા) ઉંદરો અને વાંદરામાંથી પેદા થાય છે અને ક્યારેક માનવીઓમાં ઘૂસી જાય છે. આ શીતળા (અછબડા) જેવા વાઈરસ વર્ગનો છે. મંકીપોક્સના મોટા ભાગના માનવ કેસો મધ્ય અને પશ્ચિમ આફ્રિકામાં થયા છે. રોગચાળો મહદ્દઅંશે મર્યાદિત રહ્યો છે. આ બીમારી સૌપ્રથમ 1958માં વિજ્ઞાનીઓની નજરમાં આવી હતી. અમુક વાંદરાઓના શરીર પર અછબડા (pox) જોવા મળ્યા હતા તેથી એનું નામ મંકીપોક્સ પડી ગયું છે. પહેલો માનવ કેસ 1970માં જોવા મળ્યો હતો. કોન્ગો દેશના એક કિશોરને આ બીમારી થઈ હતી.