કશ્મીરઃ એન્કાઉન્ટરમાં ત્રણ ત્રાસવાદી ઠાર

શ્રીનગરઃ જમ્મુ અને કશ્મીર પોલીસના જવાનોએ આજે સવારે કુપવાડા જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં ત્રણ ત્રાસવાદીને ઠાર માર્યા હતા. એ ત્રણેય જણ પાકિસ્તાનમાંથી સક્રિય આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈબાના સભ્યો હતા. કશ્મીર ઝોન પોલીસે કહ્યું કે, ત્રણ ત્રાસવાદીઓ કુપવાડાના જુમાગુંદ ગામમાં ઘૂસવાનો પ્રયત્ન કરવાના છે એવી અમને પાકી બાતમી મળી હતી તેથી ભારતીય સેના અને કશ્મીર પોલીસના જવાનોએ સાથે મળીને ત્યાં ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા જવાનોએ ત્રાસવાદીઓને આંતર્યા હતા. એમણે જવાનો પર ગોળીબાર કર્યો હતો. જવાનોએ એનો વળતો જવાબ આપ્યો હતો. તે એન્કાઉન્ટરમાં ત્રણેય ત્રાસવાદી માર્યા ગયા હતા.

ત્રાસવાદીઓએ મહિલા ટીવી કલાકારની હત્યા કરી

કશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારમાં ગઈ કાલે ત્રાસવાદીઓએ અમ્રીન ભટ નામની એક ટીવી કલાકારની ગોળી મારીને હત્યા કરી હતી. ત્રાસવાદીઓએ અમ્રીનનાં ઘરમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો. હુમલામાં અમ્રીનનાં 10 વર્ષના ભત્રીજાને હાથ પર ગોળી વાગી હતી. એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે આ હુમલો લશ્કર-એ-તૈબાના ત્રણ ત્રાસવાદીએ કર્યો હતો.