સ્પાઇસ જેટની સિસ્ટમ પર રેન્સમવેર હુમલોઃ હવે કામગીરી સામાન્ય

નવી દિલ્હીઃ દેશમાં સાઇબર એટેકના કેસો ઝડપથી વધી રહ્યા છે. સ્પાઇસ જેટની સિસ્ટમ પર મંગળવારની રાતે આ પ્રકારનો રેન્સમવેર એટેક થયો છે. આનો લીધે બજેટ કેરિયરની ફ્લાઇટ્સની ઉડાન પ્રભાવિત થઈ છે. ખાસ કરીને સવારની ફ્લાઇટ્સ પર એની પ્રતિકૂળ અસર પડી હતી. જોકે હવે ફ્લાઇટ્સની કામગીરી સામાન્ય છે અને જે કંઈ ખામી હતી એને સુધારી લેવામાં આવી છે. એની માહિતી એરલાઇને ટ્વીટ કરીને આપી હતી.

સ્પાઇટસ જેટે સવારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે સિસ્ટમ પર રેન્સમવેર એટેક થયો છે, જેથી સવારની ફ્લાઇટ્સની ઉડાનમાં વિલંબ થશે. અમારી IT ટીમે એ ખામીને ઓળખી લીધી છે અને હવે ફ્લાઇટ્સની કામગીરી સામાન્ય થઈ ગઈ છે.એરલાઇનની પાસે 91 એરક્રાફ્ટ છે, જેમાં 13 મેક્સ પ્લેન છે અને 46 બોઇંગ 737ના જૂના વર્ઝન છે. સ્પાઇસ જેટના CMD અજય સિંહે એરલાઇનની 17મી એનિવર્સરીએ એક મેઇલમાં કર્મચારીઓને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં એકક્રાફ્ટમાં ઓનબોર્ડ બ્રોડબેન્ડ ઇન્ટનેટ સર્વિસની સુવિધા શરૂ થશે.

આ વર્ષે અમે સતત નવી પ્રોડક્ટ અને નવા રૂટ્સ અમારા નેટવર્કમાં ઉમેરો કરતા રહીશું, એમ સિંહે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હાલમાં અમારો લોયલ્ટી પ્રોગ્રામ સ્પાઇસક્લબ શરૂ થયો છે અને ટૂંક સમયમાં ફ્લાઇટ્સમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સર્વિસ અમે શરૂ કરીશું. સ્પાઇટસ જેટના રૂટ નેટવર્કનું પણ વિસ્તરણ કરવામાં આવશે, જેથી ભારત અને વિશ્વનાં યુનિક સ્થળોને સામેલ કરી શકાય, એમ તેમણે કહ્યું હતું.