સિબ્બલે કોંગ્રેસ છોડીઃ સપાના ટેકાથી રાજ્યસભાનું ઉમેદવારીપત્ર ભર્યું

નવી દિલ્હીઃ વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલે આજે ખુલાસો કર્યો હતો કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને તેઓ સપાના ટેકાથી ઇન્ડિપેડન્ટ તરીકે રાજ્યસભામાં જશે. તેમણે જણાવ્યું હતું કે મેં 16 મેએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. સંસદમાં એક સ્વતંત્ર અવાજ હોવો જરૂરી છે. જો એક સ્વતંત્ર અવાજ બોલે છે તો લોકોને માલૂમ પડે છે કે આ કોઈ રાજકીય પક્ષમાંથી નથી, એમ તેમણે કહ્યું હતું.

હાલમાં તેમણે આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ગાંધી પરિવારે કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વથી અલગ થવું જોઈએ અને કોઈ અન્યને તક આપવી જોઈએ. તેમણે એ પણ કહ્યું હતું કે તેઓ ઘરની કોંગ્રેસ નહીં, પણ બધાની કોંગ્રેસ ઇચ્છે છે. બીજી બાજુ, છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે કહ્યું છે કે કોંગ્રેસ ઘરની છે, કેટલાક લોકો એને ડિનર અને બંગલાની કોંગ્રેસ બનાવી દેવા ઇચ્છે છે. આગામી મહિને થનારી રાજ્યસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની 11 સીટો સામેલ થશે. સિબ્બલે હાલમાં જ લખનઉમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની સાથે મુલાકાત કરી હતી. તેમણે 27 મહિનાથી જેલમાં બંધ સપાના વિધાનસભ્ય આઝમ ખાનને સુપ્રીમ કોર્ટમાં જમાનત અપાવડાવી હતી.