નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસના સંક્રમણના કેસમાં નાટકીય રીતે જે વધારો જોવા મળ્યો છે તે જોતા એ તો નક્કી છે કે, દેશમાં હવાઈ યાત્રા હાલના તબક્કે તો શરુ થવાના કોઈ એંધાણ નથી. પરંતુ અહીં એ પણ જાણવું જરૂરી છે કે હવે જ્યારે પણ હવાઈ મુસાફરી શરુ થશે તો પહેલા જેવું નહીં રહે. હવે એરપોર્ટ પર અને વિમાનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો બનાવવામાં આવશે અને હવાઈયાત્રા મોંઘી પણ બની જશે.
સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ યાત્રીઓના એરપોર્ટ પ્રવેશ પહેલા જ શરૂ થઈ જશે. એરપોર્ટ પર તૈનાત સીઆઈએસએફ થર્મલ ટેમ્પરેચર સ્કેનરથી સજ્જ હશે અને જો યાત્રીને તાવ જેવા કોઈ લક્ષણ દેખાશે તો તેમને એરપોર્ટમાં પ્રવેશ આપવામાં નહીં આવે. યાત્રીઓની લાઈનોમાં પણ કડક વલણ દાખવામાં આવશે અને એક બીજા યાત્રીઓ વચ્ચે ઓછોમાં ઓછું એક મીટરનું અંતર જાળવામાં આવશે. આ ઉરાંત વિમાનમાં મુસાફરી વખતે પણ યાત્રીઓની બેઠક વ્યવસ્થામાં પણ અંતર જાળવામાં આવશે.
સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે વિમાનમાં જો અડધા જ મુસાફરોને લઈ જવામાં આવશે તો એનો અર્થ સ્પષ્ટ છે કે, ટિકિટની કિંમતોમાં મોટો ઉછાળો આવશે. આ સ્થિતિમાં મુંબઈથી દિલ્હી વચ્ચે ટિકિટના દર 8000 થી શરુ થઈ શકે છે. કારણે કે વિમાનમાં અડધી સીટો ખાલી રાખવામાં આવશે જેથી તેમના નુકસાનની ભરપાઈ કરવા આ ભાવ વધારો થશે.
ઓછા મુસાફરો સાથે ફ્લાઈટ ઉડાન ભરશે જેથી આપણા એરપોર્ટ જે પહેલાથી જ જગ્યાની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ખાસ કરીને દિલ્હી અને મુંબઈ આ એરપોર્ટના કેટલાક ટર્મિનલ બંધ કરવા પડશે.
આ બધો આધાર એ સમયે વિમાન કંપનીઓની સ્થિતિ પર રહેલો છે. જ્યારે કોરોના મહામારી ખતમ થઈ જશે પછી પણ સરકારના રાહત પેકેજ વગર કેટલીક વિમાન કંપનીઓ માટે કોરોના વાઈરસના પ્રભાવમાંથી બહાર આવવું મુશ્કેલ બની જશે.