નવી દિલ્હીઃ દિલ્હી હાલના સમયે ભીષણ ગરમીથી પરેશાન છે, ત્યારે હવે દિલ્હીને જળસંકટને મોટી મુશ્કેલીમાં મૂકી દીધું છે. આમ આદમી પાર્ટી સરકારે ભીષણ ગરમીની વચ્ચે શહેરમાં પેદા થઈ રહેલા જળસંકટને લઈને ગુરુવારે એક ઇમર્જન્સી બેઠક બોલાવી છે.
દિલ્હી હાલ અભૂતપૂર્વ ગરમીને કારણે પાણીની અછતનો સામનો કરી રહી છે. શહેરના કેટલાક ભાગોમાં 50 ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન ચાલી રહ્યું છે. બપોરે મળવાની બેઠકમાં જળ મંત્રી આતિશી, આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ, મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ થશે.
આતિશીએ હરિયાણા દ્વારા યમુનામાં દિલ્હીના ભાગે આવતા જળ પુવઠાને અટકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પાણીને વેડફવા માટે રૂ. 2000નો દંડ લાગુ કરવા માટે 200 ટીમોની રચના કરી છે.આતિશીએ કહ્યું હતું કે અમે હરિયાણા સરકારને એક પત્ર લખ્યો છે અને આજે અમે કેન્દ્ર સરકાર સુધી પહોંચીશું, જેથી દિલ્હીને પાણીનો યોગ્ય હિસ્સો મળી શકે.એ પાણીની અછત છે, જે હરિયાણાને કારણે દિલ્હીના વિવિધ ભાગોમાં અશાંતિનું કારણ બની રહ્યું છે. હરિયણાની મનમાનીને કારણ દેશની રાજધાનીને જળસંકટમાં ના નાખી શકાય, એમ તેમણે કહ્યું હતું.
દિલ્હીમાં પાણીનું સંકટ ઘેરાતું જઈ રહ્યું છે. દિલ્હીની જનતાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક રહેવાસીએ કહ્યું હતું કે સરકાર પાણી સંકટને દૂર કરવા માટે કોઈ સ્થાયી સમાધાન નથી શોધી શકી. અમે બધા હવે આ સ્થિતિથી બહુ તંગ આવી ચૂક્યા છે. અમારાં બાળકો એક-એક પાણીનાં ટીપાં માટે તરસી રહ્યા છે, પણ સરકાર હાથ પર હાથ રાખીને બેઠી છે.
