મંડીઃ લોકસભા ચૂંટણીમાં મંડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોતની સામે વિક્રમાદિત્ય સિંહ કોંગ્રેસ વતી મંડીથી લોકસભા ચૂંટણી લડશે. હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે આની જાહેરાત કરી છે. જોકે પાર્ટી દ્વારા તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી સુખવિંદર સિંહ સુખુએ પણ આ અંગે સંકેત આપ્યા છે. તેમણે વિક્રમાદિત્ય સિંહના નામની ભલામણ કોંગ્રસના હાઇકમાન્ડને મોકલવામાં આવી છે.
વિક્રમાદિત્ય સિંહના મંડીથી લડવાની જાહેરાત તેમની માતા અને પ્રદેશ કોંગ્રેસ કમિટીની તરફથી કરવામાં આવી છે. જોકે પાર્ટી તરફથી સત્તાવાર તેમના નામની જાહેરાત નથી કરવામાં આવી. હિમાચલ પ્રદેશના ઉમેદવારીને કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થઈ છે.
CM સુખુએ કહ્યું હતું કે એ નિશ્ચિત છે કે અમને મંડીમાંથી યુવા નેતા મળશે. હાલમાં પ્રતિભા સિંહ આ બેઠક પરથી સાંસદ છે. પ્રતિભા સિંહે કહ્યું હતું કે કંગના શું કરી રહી છે કે શું કહી રહી છે તેની અમને કોઈ પરવા નથી. મંડીના લોકો હંમેશાં અમારી સાથે રહ્યા છે. મેં મુશ્કેલ સંજોગોમાં પણ સીટ જીતી છે.
એવું પણ માનવામાં આવે છે કે જો વિક્રમાદિત્ય સિંહને મંડીથી ઉમેદવાર બનાવવામાં આવે છે તો તે કોંગ્રેસની અંદર ચાલી રહેલી તિરાડને દૂર કરવામાં પણ મદદ કરશે. તાજેતરની રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશ કોંગ્રેસની અંદર તણાવની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યસભામાં ક્રોસ વોટિંગને કારણે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી કથિત રીતે સુખુ સરકાર માટે ખતરો ઊભો થયો હતો.