PM મોદી માત્ર દેશ માટે જીવી રહ્યા છે, અને મરશે પણ દેશ માટે: વરુણ ગાંધી

નવી દિલ્હી- લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. ઉત્તર પ્રદેશના પીલીભીત સંસદીય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા બીજેપી સાંસદ વરુણ ગાંધીએ કરેલા નિવેદનથી ચર્ચા જાગી છે. વરુણ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે, મારા પરિવારમાંથી પણ કેટલાક લોકો પીએમ રહ્યાં છે, પરંતુ જે સન્માન મોદીએ દેશને અપાવ્યું છે, તે ઘણા લાંબા સમયથી કોઈએ દેશને નથી અપાવ્યું.

વધુમાં વરુણ ગાંધીએ પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે, તેઓ માત્ર દેશ માટે જીવી રહ્યા છે, અને મરશે પણ દેશ માટે, તેમને માત્ર દેશની ચિંતા છે.

મહત્વું છે કે, અગાઉ પણ વરુણ ગાંધીએ મોદીના ભરપેટ વખાણ કર્યા હતાં. અને કહ્યું હતું કે દેશને લાંબા સમય બાદ એવા વડાપ્રધાન મળ્યા છે કે, જેના અંગે છાતી ઠોકીને બોલી શકીએ કે અમારી પાસે આવા વડાપ્રધાન છે.

તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ઘણું કામ કર્યું છે, પરંતુ અમારા માટે સુરક્ષા પણ મહત્વનો મુદ્દો છે. વિપક્ષ પાર્ટીઓ દ્વારા રાજનીતિના સ્તરને ઘટાડવામાં આવી રહ્યું છે.

વરુણ ગાંધીને ભાજપે આ વખતે પીલીભીત લોકસભા બેઠક પરથી ટીકિટ આપી છે. આ બેઠક પરથી અત્યાર સુધીમાં તેમની માત કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી સાંસદ રહી ચૂકી છે. 2014માં વરુણ ગાંધી સુલ્તાનપુરથી ચૂંટણી લડયા હતાં. આ વખતે સુલ્તાનપુર બેઠક પરથી ભાજપે મેનકા ગાંધીને મેદાનમાં ઉતારી છે. સીટોના આ ફેરબદલી બીજેપીની રણનીતિ માનવામાં આવી રહી છે. સુલ્તાનપુર લોકસભા બેઠક અમેઠી અને રાયબરેલીની નજીક આવે છે, અને કોંગ્રેસ તરફથી પૂર્વાચલની જવાબદારી પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવી છે.

મહત્વનું છે કે, મેનકા ગાંધી પણ  ગાંધી પરિવારમાંથી આવે છે, કહેવામાં આવી રહ્યું છે કે, મેનકાની હાજરીથી અહીં પ્રિયંકાની અસર ઘટી શકે છે. તો બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, સુલ્તાનપુરમાં વરુણ ગાંધીની સ્થિતિ નરમ છે, માટે મેનકા ગાંધીએ ખુદ આ સીટ બદલાવી છે.

વરુણ ગાંધી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના બીજા પુત્ર સંજય ગાંધીનો દિકરો છે. એક સમયે કોંગ્રેસમાં સર્વેસર્વાની ભૂમિકા પર રહેલા સંજય ગાંધીનું મોત એક એરક્રાફ્ટ દુર્ઘટનામાં થયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]