માલ્યાની ‘ઘરવાપસી’નો માર્ગ મોકળો થયો; બ્રિટિશ હાઈકોર્ટે એની અરજી ફગાવી દીધી

લંડન – ભારતે જેને ભાગેડૂ જાહેર કર્યો છે તે આર્થિક ગુનેગાર વિજય માલ્યાને બ્રિટનમાં મોટો ફટકો પડ્યો છે. પોતાના ભારત પ્રત્યાર્પણના ચુકાદાની વિરુદ્ધમાં અપીલમાં જવાની એણે કરેલી અરજીને બ્રિટનની હાઈકોર્ટે નકારી કાઢી છે.

લિકર ઉદ્યોગના આ મહારથીનું પ્રત્યાર્પણ કરવા માટે ભારત સરકારે બ્રિટનમાં કેસ કર્યો છે.

લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે માલ્યાના ભારતને પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી દીધી છે. મેજિસ્ટ્રેટના ચુકાદાનો બ્રિટનના ગૃહ પ્રધાને પણ સ્વીકાર કરી લીધો છે. ગૃહ પ્રધાનના નિર્ણય સામે અપીલમાં જવાની પરવાનગી આપવા માટે માલ્યાએ બ્રિટિશ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને હાઈકોર્ટના જજ વિલિયમ ડેવિસે ગઈ પાંચ એપ્રિલે નકારી કાઢી હતી.

આને લીધે માલ્યાને હવે ટૂંક સમયમાં જ ભારત પાછો લાવી શકાશે એવી ધારણા છે.

જોકે માલ્યા પાસે છટકવાનો હજી એક રસ્તો છે. હાઈકોર્ટના જજના નિર્ણય સામે એ રિવ્યૂ અરજી કરી શકે છે, એ માટે એની પાસે પાંચ દિવસનો સમય છે. જો એ અરજી કરે અને કોર્ટ સ્વીકારે તો એની પર સુનાવણી થાય.

63 વર્ષના માલ્યા પર આરોપ છે કે એણે ભારતની બેન્કો પાસેથી આશરે રૂ. 9000 કરોડની છેતરપીંડી કરી છે. એની પર મની લોન્ડરિંગનો પણ આરોપ મૂકાયો છે.

માલ્યા 2016ના માર્ચથી બ્રિટનમાં છે. એ હાલ જામીન પર છે. એની સામે પ્રત્યાર્પણ વોરન્ટ ઈસ્યૂ કરવામાં આવ્યું હતું જેનો સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે 2017ના એપ્રિલમાં અમલ કર્યો હતો.

ભારત અને બ્રિટને ગુનેગારોના પ્રત્યાર્પણ માટે 1992માં એક કરાર પર સહીસિક્કા કર્યા હતા. એ કરાર 1993ના નવેંબરથી અમલમાં છે.