આતંકીઓએ ભૂખે માર્યાં 20 બાળકો, અનેકોની સીરિયાની હોસ્પિટલોમાં સારવાર

નવી દિલ્હીઃ સીરિયામાં સ્થિતિ ભલે થોડી સારી થઈ હોય પરંતુ હજી પણ અહીં જિંદગીઓ મોત સામે જંગ લડી રહી છે. ત્યારે સીરિયાની વર્તમાન સ્થિતિની વાસ્તવિકતા સામે આવી છે. ગોળી અને બોમ્બથી જે નવજાતોની જિંદગી બચી ગઈ તેઓ ભૂખના ભરડામાં આવી ગયાં અને તેમના ભૂખ્યાં રહેવાનું કારણ પણ ખોફનાક છે. નવજાત કંકાલ બની રહ્યાં છે અને મોતના મુખમાં જઈ રહ્યાં છે. બે વર્ષનો એક બાળક હોસ્પિટલમાં બેડ પર પડ્યો અને ભૂખના કારણે રીતસર તેના હાડકા દેખાઈ રહ્યાં છે. તો માથામાં જૂ પડી ગઈ હોવાના કારણે માથાના વાળને હટાવી દેવામાં આવ્યાં છે.

આ માત્ર એક બાળકની વાત નથી પરંતુ હોસ્પિટલમાં આવા ઘણા બાળકો દાખલ છે. આઈએસથી જોડાયેલા માતાપિતાઓએ પોતાના ખલીફાના અંતિમ દિવસોમાં બાળકો સાથે ભાગવાની જગ્યાએ બોમ્બ અને ગોળીઓ વચ્ચે બાળકોને ભૂખ્યાં જ મરી જવા દેવાનો નિર્ણય કર્યો. હોસ્પિટલમાં ભરતી થયેલા આ બાળકોને એ પણ નથી ખબર કે તેઓ બચી ગયાં તો તેમનું શું થશે. નર્સનું કહેવું છે કે ખ્યાલ નથી આવતો કે આ બાળકો કયાં દેશના છે અને ઘણા બાળકો તો અરબી ભાષા પણ નથી સમજતા.

એક ડોક્ટરના જણાવ્યા અનુસાર 10 બાળકોના તો નામ અને દેશ પણ ખબર નથી. જીંદગી અને મોત સામે જંગ લડી રહેલા બાળકો હોસ્પિટલમાં કોઈ જમીન પર પડ્યું છે તો કોઈ અન્ય જગ્યાએ આ પ્રકારની બાળકોની કરુણ સ્થિતિ છે. ગત મહિનાઓમાં આશરે 200 બાળકો આ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.

આ પૈકી 20 બાળકોના મોત થયાં છે. મોટાભાગના બાળકો કુપોષણ અથવા લેન્ડ માઈન્સના હુમલાનો શિકાર થાય છે, આ બાળકોને ટીબી અને ઈન્સેફેલાઈટિસ જેવી ગંભીર બીમારીઓ થાય છે. મોટાભાગના બાળકો અલહોલ ડિસ્પેલસ્મેન્ટ કેમ્પથી આવે છે જ્યાં આશરે 10 હજાર લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા અને આઈએસ તેમનો ઉપયોગ પોતાના બચવાના કવચ તરીકે કરતું હતું.