પાકિસ્તાની વિદેશ પ્રધાન કુરેશીનો દાવોઃ ભારત પાકિસ્તાન ઉપર ફરી હુમલો કરે એવી સંભાવના

ઈસ્લામાબાદ – પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ આજે એવો દાવો કર્યો છે કે એમની સરકાર પાસે એવી વિશ્વસનીય ગુપ્તચર માહિતી છે કે ભારત 16-20 એપ્રિલની વચ્ચે પાકિસ્તાન પર એક વધુ આક્રમણ કરવા વિચારી રહ્યું છે.

આમ ‘ડોન’ નામના અખબારના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગઈ 14 ફેબ્રુઆરીએ કશ્મીરના પુલવામા જિલ્લામાં પાકિસ્તાનસ્થિત જૈશ-એ-મોહમ્મદ ત્રાસવાદી સંગઠનના એક આત્મઘાતી બોમ્બરે સીઆરપીએફના 40 જવાનનો ભોગ લીધા બાદ બંને દેશ વચ્ચેના સંબંધોમાં તંગદિલી ઊભી થઈ છે.

ભારતીય હવાઈ દળે ત્યારબાદ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનની અંદર જોરદાર આક્રમણ કરીને બાલાકોટ વિસ્તારમાં સક્રિય ત્રાસવાદી તાલીમ કેમ્પનો નાશ કર્યો હતો. એ ઘટનાના બીજા દિવસે પાકિસ્તાન હવાઈ દળે બદલો લીધો હતો અને ભારતના એક મિગ-21 વિમાનને આકાશી લડાઈમાં તોડી પાડ્યું હતું અને હવાઈ દળના એક પાઈલટ અભિનંદનને પકડી લીધા હતા. જોકે બાદમાં, 1 માર્ચે એમને ભારતને સોંપી દીધા હતા.

પાક વિદેશ પ્રધાન કુરેશીએ મુલતાનમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે એમની સરકાર પાસે ગુપ્તચરો તરફથી મળેલી એવી વિશ્વસનીય માહિતી છે કે પાકિસ્તાન પર ફરી આક્રમણ કરવા ભારત કોઈક યોજના ઘડી રહ્યું છે.

ડોન અખબારે કુરેશીને એવું કહેતા ટાંક્યા છે કે, તૈયારીઓ ચાલી રહી છે અને પાકિસ્તાન પર ફરી આક્રમણ કરવામાં આવે એવી શક્યતાઓ છે. અમને મળેલી માહિતી અનુસાર આ હુમલો એપ્રિલની 16-20 વચ્ચે થઈ શકે છે.

કુરેશીએ એવો આક્ષેપ કર્યો છે કે એક નવી દુર્ઘટનાનો ઘાટ ઘડાઈ શકે છે… એની પાછળનો ઈરાદો પાકિસ્તાન પર એમના (ભારતના) આક્રમણને વાજબી ઠેરવવાનો અને પાકિસ્તાન સરકાર પર રાજદ્વારી દબાણ વધારવાનો હશે.

કુરેશીએ એમ પણ કહ્યું કે જો એવું થશે તો, તમે કલ્પના કરી શકો છો કે દુનિયાના આ વિસ્તારની શાંતિ અને સ્થિરતાની હાલત કેવી ખરાબ થઈ જશે. પાકિસ્તાને યુનાઈટેડ નેશન્સની સુરક્ષા પરિષદના કાયમી સભ્યોને આ વિશે સંક્ષિપ્તમાં જાણકારી આપી દીધી છે. અમે ઈચ્છીએ છીએ કે દુનિયાના દેશો ભારતની આ બેજવાબદારીભરી હરકતની નોંધ લે અને આવો રસ્તો અપનાવવા બદલ એને ઠપકો આપે.