3+ વયનાં બાળકો માટેની રસી 6-મહિનામાં: પૂનાવાલા

મુંબઈઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર અદર પૂનાવાલાએ કહ્યું છે કે ભારત દેશ હવે કોરોનાવાઈરસ રોગચાળા જેવી આફતોનો સામનો કરવા માટે વધારે સારી રીતે સજ્જ બની ગયો છે.

(ફાઈલ તસવીર)

કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના પ્રોમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ વિભાગના સંગાથમાં આયોજિત CII પાર્ટનરશિપ સમિટ-2021માં બોલતાં એમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યંત કપરો કાળ હવે ભૂતકાળ બની ગયો છે. ભારત સરકાર હવે એક અસરકારક હેલ્થકેર સિસ્ટમનું નિર્માણ કરવામાં વ્યસ્ત છે અને હોસ્પિટલોમાં પથારીઓ તથા ઓક્સિજન માટે પણ પર્યાપ્ત જોગવાઈ કરી છે. અમે હવે બે કંપની સાથે હાથ મિલાવ્યો છે અને બાળકો માટેની રસીનું નિર્માણ કરવામાં વ્યસ્ત બન્યા છીએ. ત્રણ વર્ષ અને તેથી વધુની વયનાં બાળકો માટેની રસી અજમાયશના તબક્કામાં પહોંચી ગઈ છે અને આવતા છ મહિનામાં એ રસી તૈયાર થઈ જવાની અમારી ધારણા છે.