સિલક્યારા ટનલમાં ફસાયેલા કામદારો માટે ફોન, વાઈ-ફાઈ, બેટ, બોલ મોકલાયા

ઉત્તરકાશી (ઉત્તરાખંડ): અહીંની સિલક્યારા ટનલમાં બે અઠવાડિયાથી ફસાઈ ગયેલા 41 કામદારોને જીવતા બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. અંદર તેઓ માનસિક રીતે હતાશ ન થઈ જાય એટલા માટે અને એમને ઉગારવાના પ્રયાસો ચાલુ છે એની તેમને ખાતરી આપવા માટે પાઈપ વાટે ખોરાકના પેકેટ્સ અને પાણીની બોટલ્સ તો મોકલવામાં આવે જ છે, પણ કામદારોને રાહત મળી રહે એ માટે તેમને એક લેન્ડલાઈન ફોન, થોડાક મોબાઈલ ફોન, રમવા માટે બેટ અને બોલ મોકલવામાં આવ્યા છે, જેથી તેઓ ટનલના પહોળા રસ્તા પર ક્રિકેટ રમીને સમય પસાર કરી શકે અને માનસિક તાણનો સામનો કરી શકે.

કેન્દ્ર સરકાર હસ્તકની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) કંપનીએ કામદારો માટે પાઈપ વાટે એક નાનકડો લેન્ડલાઈન ફોન મોકલાવ્યો છે જેથી તેઓ એમના પરિવારજનો સાથે વાતચીત કરી શકે. કંપનીએ ટનલના સ્થળે એક નાનકડું ટેલીફોન એક્સચેન્જ પણ તાબડતોબ ઊભું કરી દીધું છે અને કામદારોને મોકલાવાયેલો ફોન આ લાઈન મારફત કનેક્ટ થયેલો રહેશે. પાઈપ વાટે કેટલાક મોબાઈલ ફોન પણ મોકલવામાં આવ્યા છે. જેથી તેઓ અંદર ગેમ રહી શકે. અંદર મોબાઈલ નેટવર્ક નથી, પરંતુ એમને વાઈ-ફાઈ કનેક્ટિવિટી પૂરી પાડવાના પ્રયાસો ચાલુ છે.

આ કામદારો 13 દિવસથી ટનલમાં ફસાઈ ગયા છે, જેના બંને પ્રવેશદ્વાર ભેખડો ધસી પડવાને કારણે બંધ થઈ ગયા છે. ડ્રિલિંગ કરીને બાકોરાં પાડીને કામદારોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.