વાતાવરણમાં ગજબનો પલટો; સૌરાષ્ટ્રમાં હિમવર્ષા થઈ; રાજકોટ જાણે મનાલી બની ગયું

રાજકોટઃ અમદાવાદ, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં અનેક ઠેકાણે અને મુંબઈમાં આજે સવારે ગાજવીજ, વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ તૂટી પડતાં ગરમીથી પીડાતા લોકોને રાહત થઈ હતી, પણ સૌરાષ્ટ્રનાં લોકોને તો જબરી મજા પડી ગઈ. ધોધમાર વરસાદ તો તૂટી પડ્યો, પણ રાજકોટમાં તો હિમવર્ષા થઈ. બરફનાં કરા પડ્યા. લોકો એમના ઘરની બહાર નીકળી પડ્યા હતા અને હાથમાં બરફના કરા લઈને ઉછાળીને આનંદ માણતા હતા.

બરફથી છવાઈ ગયેલા રસ્તાઓ પર એકત્ર થયેલા લોકોએ એમના મોબાઈલ ફોન પરથી ફોટા અને વીડિયો ક્લિપ્સથી સોશિયલ મીડિયાને છલકાવી દીધું. રાજકોટમાં તો જાણે શિમલા-મનાલી જેવો માહોલ ઊભો થયો હતો. રાજકોટના માલિયાસણમાં બરફવર્ષા થવાના કારણે શિમલા જેવો માહોલ સર્જાયો હતો. બરફના મોટા કરાઓનો વરસાદ થતાં રસ્તાઓ તેમજ ખેતરો પર બરફની ચાદર પથરાઈ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

દરમિયાન, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી છે કે, ગુજરાતમાં હજી વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર માટે 24 કલાક ભારે છે.

 

વીજળી પડવાથી ત્રણનાં મોત

કચ્છથી લઈ સૌરાષ્ટ્ર સુધી માવઠાનો આજે માર પડ્યો છે. સોમનાથના મેળામાં ઘણી તારાજી થઈ છે. ત્યાં ભારે પવન ફૂંકાતા અનેક સ્ટોલ જમીનદોસ્ત થઈ ગયા છે. રાજ્યના 212 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. વીજળી પડવાથી ત્રણ જણનાં કરૂણ મોત થયાનો પણ અહેવાલ છે.