UNM ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘અભિવ્યક્તિ’ની 5મી આવૃત્તિની શાનદાર શરૂઆત

અમદાવાદ : અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ એ ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર સ્થાપિત UNM ફાઉન્ડેશનની એક પહેલ છે, જેમાં અભિવ્યક્તિનું વિઝન અને મિશન ઉભરતી પ્રતિભાઓની ઓળખ કરવી તેમને સમર્થન આપવું અને તમામ શૈલીના કલાકારોને શહેરીજનો સમક્ષ પોતાની કલા રજૂ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. અભિવ્યક્તિની પાંચમી આવૃત્તિ 24મી નવેમ્બરથી 10મી ડિસેમ્બર-2023 દરમિયાન અમદાવાદ ખાતે યોજાઈ રહી છે. ટોરેન્ટ ગૃપના UNM ફાઉન્ડેશન દ્વારા આયોજિત અઅભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ કલા રસીકોને એક સ્થળ ઉપર ભારતીય ક્લાસિકલ ફ્યુઝન, કથક,  કન્ટેમ્પરરીથી લઈને સેમી ક્લાસિકલ અને સોલિલોકીઝ થિયેટ્રિકલ પર્ફોર્મન્સ સુધીની વિવિધ કલાઓ અલગ અલગ કલાકારોના માધ્યમથી ઉપલબ્ધ બનાવી રહ્યો છે. 15 દિવસના આ અભિવ્યક્તિ આર્ટ ફેસ્ટિવલમાં કલા રસીકો પાસે પ્રતિભાશાળી કલાકારો દ્વારા પ્રસ્તુત નૃત્ય, સંગીત અને થિયેટર જેવા વિવિધ કલા સ્વરૂપોમાંથી પોતાની પસંદગીની કલા માણવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. સાથે જ વિચાર પ્રેરક વાર્તાઓમાં આત્મખોજ કરવાનો અને વિવિધ વર્કશોપમાં હાજરી આપવાના વિકલ્પો ઉપલબ્ધ છે.

ગુજરાતી ભાષા સહિત્ય, થિયેટર અને ફિલ્મો સાથે જોડાયેલ ભારતીય કવિ, લેખક, નાટ્યકાર, ડાયરેક્ટર અને કલાકાર સૌમ્યા જોશીએ અભિવ્યક્તિ ખાતે ગીત, નાટક અને સ્ક્રીન રાઈટીંગ ઉપર આધારીત એક લેખન વર્કશોપનું આયોજન કર્યું, બે કલાક સુધી ચાલેલ આ વર્કશોપ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ઉપાસના ઇન્ડોર ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.

અનિરુદ્ધ વર્માના નેતૃત્વમાં નવી દિલ્હીના જાણીતા ભારતીય શાસ્ત્રીય ગૃપ અનિરુદ્ધ વર્મા કલેક્ટિવ દ્વારા “ક્લાસિકલ રી-ઇમેજ્ડ” પ્રસ્તુતિ દ્વારા પોતાની વાર્તા રજૂ કરવામાં આવી. આ સમકાલીન અને આધુનિક દ્રષ્ટિકોણથી ભારતીય શાસ્ત્રીય સંગીત હતું. આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય શાસ્ત્રીય સંગીતને તમામ પુષ્ઠભૂમિના શ્રોતાઓ સુધી સુલભ બનાવવાનો અને આ કલાના આ સુંદર સ્વરૂપની પવિત્રતા અને ભાવનાત્મક ગુણવત્તા જાળવી રાખવાનો છે. સાથે જ તેમનો ઉદ્દેશ્ય ક્લાસિકલ મ્યુઝિકને આધુનિક્તા સાથે પરંતુ તેના મુળ સ્વરૂપમાં રજુ કરીને તમામ વર્ગના શ્રોતાઓ માટે ભારતીય ક્લાસિકલ ફ્યુઝન સુલભ બનાવવાનો છે.

કથક નૃત્યાંગના શ્રદ્ધા બ્રહ્મભટ્ટે તેમના અભિનય “હસલી” ના માધ્યમથી યૌન શોષણનો ભોગ બનેલ પીડિતોના આંતરિક સંઘર્ષને રજુ કર્યો. તેમણે પોતાની બે પુત્રીઓ પંખી અને સાથે યૌન શોષણના કેસમાં મૌન તોડવાના મહત્વ પર ભાર મુકવાની સાથે પિડીતોના આંતરરિક ઉથલ પાથલને પડદા ઉપર રજુ કરવાનો પ્રયત્ન કર્યો. જિગ્નેશ બ્રહ્મભટ્ટની 1994 માં લખવામાં આવેલ ગુજરાતી કવિતાથી પ્રેરિત થઈને પ્રોડક્શને સમકાલીન અને શાસ્ત્રીય કથક નૃત્યના માધ્યમથી આ કરુણ વર્ણનને અસરકાર રીતે અભિવ્યક્ત કર્યું.

બહુમુખી પ્રતિભાના ધણી પ્રખ્યાત સાહિત્યકાર કાજલ ઓઝા વૈદ્ય એ પોતાની પ્રસ્તુતિ “સંવાદ જે થયા નહિ” રજુ કરી. અભિવ્યક્તિ સિટી આર્ટસ પ્રોજેક્ટની આ 5મી આવૃત્તિમાં તેમણે ઐતિહાસિક અને સાહિત્યિક પાત્રો વચ્ચે અદ્વિતીય સંવાદ સ્થાપિત કર્યો. આ પ્રસ્તુતિમાં તેમણે કલાપીના જીવનને પ્રતિબિંબિત કરતી શોભના અને રામ, યશોધરાને સિદ્ધાર્થના વણ કહેલા શબ્દો, દ્રોપદીની ઘટના બાદ દુર્યોધન અને ભાનુમનતી વચ્ચે પીડાદાયક સંવાદ, રવીન્દ્રનાથ ટાગોર અને વિક્ટોરિયા ઓકામ્પો વચ્ચેનો ભાવુક પત્રવ્યવહારને ટાગોની યુવાન પત્ની મૃણાલિનીદેવીની મૂંગી વેદના સાથે વિરોધાભાસી રીતે રજુ કર્યો. આ અનન્ય પ્રસ્તુતિ દ્વારા તેમણે ઇતિહાસના તથ્યો અને કલ્પનાને વિચાર-પ્રેરક રીતે વર્ણીને રજુ કરી.

નીલિમા શર્મા, આર્ચિત ભાસ્કર અને સુષ્મેન્દ્રએ તેમનું સમકાલીન નૃત્ય પ્રસ્તુતિ “મેઘ” રજૂ કર્યું, જે લાગણીઓ, વિકલ્પો અને માનવ સ્થિતિસ્થાપકતાની વાર્તા સમાન હતું. આ ત્રીપુટી દ્વારા રજુ કરવામાં આવેલ “મેઘ” પ્રસ્તુતિ અંબર, સાહિલ અને ઈમરોજ નામના ત્રણ પાત્રો વચ્ચેના સબંધોની આજુ બાજુ વણાયેલી હતી. આ પ્રસ્તુતિ પ્રેમની ગૂંચવણો અને આપણા દ્વારા પસંદ કરવામાં આવતા વિકલ્પો ઉપર પ્રકાશ નાંખે છે. આ એક એવી વાર્તા હતી કે જેમાં પાત્રો જીવનની ઉથલ પાથલ વચ્ચે પ્રેમ, લાગણીઓ અને માનવ સંવેદનાને જીવીજાણી શાંતિ પ્રાપ્ત કરે છે.

 

જયપુર અને ગ્વાલિયર રાજઘરાનાની પરંપરા સાથે જોડાયેલ યુવા ગાયક હુલ્લાસ પુરોહિતે પોતાની અર્ધ શાસ્ત્રીય સંગીત પ્રસ્તૃતિ “રેત રાગ” રજુ કરીને રાજસ્થાનના પ્રતિષ્ઠિત લોક સંતોની કાવ્ય રચનાઓને જીવંત કરી. આ મનમોહક પ્રસ્તૃતિમાં તેમણે ગુજરાતમાં જન્મેલ અને પોતાની સંગીત સાધનાથી જયપુર રાજઘરાનાને ગૌરવાન્તિત કરનાર નિર્ગુણ સંત દાદુ દયાલના દુહા રજુ કરી તમામ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. દાદુ દયાલની કવિતાઓ નિર્ગુણ ભક્તિ અને સામાજિક બાબતો પર વ્યાવહારિક ટિપ્પણીના સુમેળભર્યા મિશ્રણ સમાન છે.

 

રુપિન શાહે ગુજરાતના ખ્યાતનામ નાટ્યકાર જયશંકર સુંદરીના જીવનચરિત્ર સમાન સંગીતમય નાટક “રંગ રંગ સુંદરી” રજૂ કર્યું. આ નાટકના માધ્યમથી તેઓ જયશંકર સુંદરીના નામથી ઓળખાતા ગુજરાતી રંગભૂમિના અગ્રણી કલાકાર જશંકર ભોજકની સુંદર યાત્રાને જીવંત કરે છે. બે ગાયકો સાથે તબલા, પખાવજ, હાર્મોનિયમ, સિતાર અને સારંગી જેવા વાદ્યો સાથે લાઈવ સંગીતની આ પ્રસ્તૃતિ “થોડા આંસુ, થોડું ફૂલ” પુસ્તક અને “સૌભાગ્ય સુંદરી”, “જુગલ જુગારી” જેવા નાટકો ઉપર આધારીત છે.