ગાયનું રક્ષણ હિન્દુઓનો મૂળભૂત અધિકારઃ અલાહાબાદ હાઈકોર્ટ

અલાહાબાદઃ ગાયની કતલ કરવા બદલ પકડાયેલા જાવેદ નામના એક આરોપીની જામીન અરજીને અલાહાબાદ હાઈકોર્ટે ગઈ કાલે નકારી કાઢી હતી અને કેટલુંક ઉલ્લેખનીય અનુમાન વ્યક્ત કર્યું હતું. કોર્ટે એ વાતની નોંધ લીધી હતી કે ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે ઘોષિત કરવું જોઈએ અને ગાયનાં રક્ષણને હિન્દુ લોકોનો મૂળભૂત અધિકાર બનાવવો જોઈએ.

કોર્ટે આરોપી જાવેદની જામીન અરજી નકારી કાઢતા કહ્યું કે તેણે માત્ર ગાયની ચોરી જ નહોતી કરી, પણ એનું માંસ મેળવવા માટે એની હત્યા પણ કરી હતી. અમે એ વાત બરાબર જાણીએ છીએ કે જ્યારે કોઈ દેશની સંસ્કૃતિ અને તેની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે છે ત્યારે એ દેશ નબળો પડી જાય છે. આરોપીનો આ પહેલો ગુનો નથી. તેણે આ પહેલાં પણ ગાયની કતલ કરી હતી, જેણે સમાજના કોમી એખલાસને બગાડ્યું છે. મૂળભૂત અધિકાર માત્ર ગાયનું માંસ ખાનારાઓનો જ બનતો નથી, પરંતુ જે લોકો ગાયની પૂજા કરે છે અને જેઓ ગાય ઉપર આર્થિક રીતે નિર્ભર છે એમનો પણ બને છે તેમજ દેશનાં લોકોને અર્થપૂર્ણ જીવન જીવવાનો અધિકાર પણ છે.