ગોરખપુરઃ ઉત્તર પ્રદેશમાં નવી વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સામે ગોરખપુરમાં જંગ ખેલનાર પહેલા ઉમેદવાર બન્યા છે ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ. આઝાદ દલિત સમુદાયના છે. એમણે અગાઉ જ કહ્યું હતું કે પોતે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનાર ચૂંટણીમાં યોગી આદિત્યનાથનો મુકાબલો કરશે. આજે એમની પાર્ટીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે આઝાદ ગોરખપુરમાંથી યોગી સામે ચૂંટણી લડશે. ભારતીય જનતા પાર્ટીએ અમુક દિવસો પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે યોગી ગોરખપુરમાંથી ચૂંટણી લડશે.
યોગી આદિત્યનાથ આ પહેલી જ વાર વિધાનસભ્ય બનવા માટે ચૂંટણી લડશે. જોકે એમના મુખ્ય હરીફ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર હશે. તે પાર્ટીએ હજી સુધી પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. 34 વર્ષના ચંદ્રશેખર આઝાદ પણ આ પહેલી જ વાર ચૂંટણી લડી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. મતદાનનો પહેલો તબક્કો 10 ફેબ્રુઆરીએ અને આખરી તબક્કો 7 માર્ચે યોજાશે. મતગણતરી અને પરિણામ માટે 10 માર્ચ તારીખ નક્કી કરવામાં આવે છે.