પશુઓ માટે દેશની પહેલી કોરોના રોગચાળાની રસી તૈયાર

હિસારઃ હરિયાણાના હિસારસ્થિત કેન્દ્રીય હોર્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ પ્રાણી માટે દેશની પહેલી કોરોનાની રસીને તૈયાર કરવામાં સફળતા મેળવી છે. સેનાના 23 કૂતરા પર એની ટ્રાયલ પણ સફળ થઈ ચૂકી છે. રસી લગાવ્યા પછી કૂતરાઓમાં કોરોના વાઇરસની સામે એન્ટિબોડી જોવા મળી છે.

કૂતરાઓ પર સફળ ટ્રાયલ કર્યા પછી ગુજરાતના જૂનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂલોજિકલ પાર્કના 15 સિંહો પર ટ્રાયલની તૈયારી છે, જેથી રાજ્ય સરકાર પાસે એની મંજૂરી મળ્યા પછી એ શરૂ કરવામાં આવશે. એ પછી રસીને બજારમાં ઉતારીને પશુઓનું રસીકરણ કરી શકાશે.રસીને વિકસિત કરવાવાળી સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડો. નવીન કુમારે જણાવ્યું હતું કે સાર્સ કોરોના વાઇરસ પ્રાણીઓમાં કૂતરા, બિલાડી, સિંહ, ચિતા અને હિરણોમાં જોવા મળ્યો હતો. કેટલાક મહિનાઓ પહેલાં ચેન્નઈ સ્થિત પ્રાણી સંગ્રહાલયમાં મૃત શરીરમાં કોરોના વાઇરસની ઓળખ કરવામાં આવી હતી. એ તપાસમાં માલૂમ પડ્યું હતું કે એનું મોત કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટથી થયું હતું. એ કારણે વ્યક્તિઓમાં આવેલા ડેલ્ટા વાઇરસને લેબમાં આઇસોલેટ કરવામાં આવ્યો હતો અને એનો ઉપયોગ કરીને રસી બનાવવામાં સફળતા હાંસલ કરી હતી.

આ વાઇરસના માણસોમાંથી પશુઓમાં અને ફરી પશુઓથી માણસોમાં સંક્રમિત થવાના કેટલાય અભ્યાસો સામે આવ્યા હતા. અમેરિકા અને રશિયામાં તો પ્રાણીઓનું રસીકરણ શરૂ થઈ ચૂક્યું છે. કોરોના રોગચાળાને અટકાવવા માટે પ્રાણીઓનું રસીકરણ અત્યંત જરૂરી છે. કેન્દ્ર સરકાર એને ગંભીરતાથી લઈ રહી છે. એ દિશામાં એનઆરસીઈ હિસારના વૈજ્ઞાનિકોએ સકારાત્મક પ્રયાસ કર્યા હતા. હું સંસ્થાના વૈજ્ઞાનિકોએ આ ઉપલબ્ધિ માટે તેમને અભિનંદન આપું છું, એમ ભારતીય કૃષિ રિસર્ચ સંસ્થાના (પશુ વિભાગ)ના ડિરેક્ટર ડો. બીએન ત્રિપાઠીએ કહ્યું હતું.