22 નવેમ્બરથી ‘કોવેક્સિન’ રસીને બ્રિટનમાં માન્યતા

નવી દિલ્હી/લંડનઃ બ્રિટન જવા માગતા ભારતીયો માટે ખુશખબર છે. બ્રિટિશ સરકારે કહ્યું છે કે ભારતની સ્વદેશી ટેક્નોલોજી દ્વારા નિર્મિત ‘કોવેક્સિન’નો પણ આવતી 22 નવેમ્બરથી કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીઓની યાદીમાં ઉમેરો કરવામાં આવશે. આને કારણે હૈદરાબાદસ્થિત ભારત બાયોટેક દ્વારા નિર્મિત  ‘કોવેક્સિન’ રસીના બે ડોઝ લેનાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પણ બ્રિટનમાં પ્રવેશ મળશે અને એમણે બ્રિટનમાં પહોંચ્યા બાદ સેલ્ફ-આઈસોલેશનમાં રહેવાની જરૂર નહીં રહે. ભારત સ્થિત બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલીસે ટ્વિટરના માધ્યમથી આમ જણાવ્યું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ‘કોવેક્સિન’ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધા બાદ બ્રિટિશ સરકારે પણ ભારતીય રસીને માન્યતા આપી છે. ભારતમાં સૌથી વધુ લેવાતી કોરોના-રસીઓમાં કોવિશીલ્ડ બાદ ‘કોવેક્સિન’ બીજા ક્રમે છે. ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશીલ્ડ રસીનું ભારતમાં નિર્માણ કરવામાં આવે છે અને બ્રિટિશ સરકારે આ રસીને ગયા મહિને માન્યતા આપી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]