મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર પોલીસ-બંદોબસ્ત મજબૂત બનાવાયો

મુંબઈઃ એક ટેક્સી ડ્રાઈવરે શંકાસ્પદ પ્રવાસીઓ વિશે અમુક બાતમી આપ્યા બાદ પોલીસે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના અત્રેના નિવાસસ્થાન એન્ટિલીયાની બહાર બંદોબસ્ત વધારે મજબૂત બનાવી દીધો છે. પોલીસે ટેક્સી ડ્રાઈવરની બાતમીને સંભવિત જોખમ તરીકે ગણીને બંદોબસ્તને વધારે કડક બનાવી દીધો છે. એન્ટિલીયાની આસપાસ મૂકવામાં આવેલા સીસીટીવીના ફૂટેજને પણ ચેક કરવામાં આવી રહ્યું છે. પોલીસતંત્ર આ બાબતમાં વધુ તપાસ પણ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની 25 ફેબ્રુઆરીએ એન્ટિલીયા નજીક એક નધણિયાતી સ્કોર્પિયો કાર પાર્ક કરેલી હાલતમાં મળી આવી હતી. પોલીસને બાદમાં એ કારમાંથી વિસ્ફોટક જિલેટીન સ્ટીક્સ અને ધમકીભરી એક નોંધ મળી આવી હતી.

એક પોલીસ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે અમને એક ટેક્સી ડ્રાઈવર તરફથી ફોન કોલ આવ્યો હતો, કે બે જણ એને મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલીયા વિશે પૂછતા હતા. અંબાણીના નિવાસનું એડ્રેસ પૂછનાર એ બંને શખ્સના હાથમાં મોટી બેગ હતી. બાદમાં એ ટેક્સી ડ્રાઈવરે તરત જ મુંબઈ પોલીસને જાણ કરી દીધી હતી. એ ટેક્સી ડ્રાઈવર હાલ દક્ષિણ મુંબઈસ્થિત આઝાદ મેદાનન પોલીસ સ્ટેશનમાં છે અને એનું નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યું છે.