બ્રિટનના વિદેશપ્રધાન ડોમિનીક રાબની ભારત મુલાકાતની ફળશ્રુતિ

નવી દિલ્હીઃ બ્રિટનના વિદેશ પ્રધાન ડોમિનીક રાબ એમની ત્રણ-દિવસીય ભારત મુલાકાત દરમિયાન વિદેશ પ્રધાન એસ. જયશંકર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેડીયુરપ્પાને મળ્યા હતા. તેમણે આ મુલાકાત દરમિયાન તેમના દેશના વડા પ્રધાન બોરીસ જોન્સનની આગામી ભારત મુલાકાત માટેની રૂપરેખાની સમીક્ષા કરી હતી. જોન્સન આવતી 26 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ભારતના પ્રજાસત્તાક દિવસના ઉજવણી કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના છે.

ડોમિનીક રાબની આ મુલાકાતનું લક્ષ્ય ભારત-બ્રિટન વચ્ચેના સંબંધોને વધારે મજબૂત બનાવવાનું છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા વર્ષે જી-7 શિખર સંમેલનમાં હાજરી આપવા બ્રિટન જવાના છે. મોદીની તે મુલાકાત બ્રિટન દ્વારા ભારતને મહેમાન દેશ તરીકે અપાયેલા આમંત્રણને આધારિત હશે.

રાબની આ મુલાકાત દરમિયાન ભારત અને બ્રિટનના સંબંધોમાં એક નવા યુગનો આરંભ કરવા માટે 10-વર્ષીય રોડમેપ તૈયાર કરવા માટેની પણ હતી. તેમજ કોરોના વાઈરસ જાગતિક બીમારીના સંકટને સમાપ્ત કરવા માટે બંને દેશ દ્વારા સાથે મળીને કામ કરવા તથા પર્યાવરણ પરિવર્તનની સમસ્યાનો સામનો કરવાની દિશામાં નક્કર પગલાં લેવા માટેની પણ હતી.

રાબે કહ્યું કે ભારત અને બ્રિટન વચ્ચે બહુમૂલ્ય ભાગીદારી રહી છે. આવનારા વર્ષોમાં આને સુદઢ બનાવીશું. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અગ્રગણ્ય આર્થિક અને રાજકીય શક્તિ રૂપે આપણા બંને દેશના આર્થિક, સુરક્ષા અને વૈજ્ઞાનિક સ્તરના સંબંધો બંને દેશ માટે નોકરીઓનું નિર્માણ કરશે.

પર્યાવરણ રક્ષણ, શિક્ષણ મામલે રાબે લીધી કર્ણાટક મુલાકાત

 

બેંગલુરુમાં ડોમિનીક રાબ કર્ણાટકના મુખ્ય પ્રધાન યેડીયુરપ્પાને મળ્યા હતા. રાબની ત્રણ દિવસીય મુલાકાતનો એ છેલ્લો દિવસ હતો. તે મુલાકાત દરમિયાન રાબે પર્યાવરણ રક્ષણ વિષયે ભારત સાથે ભાગીદારી સહિત અનેક કરાર કર્યા હતા. ઉચ્ચ શિક્ષણ, વ્યાપાર અને મૂડીરોકાણ સહિત મહત્ત્વના ક્ષેત્રોમાં બ્રિટન અને કર્ણાટક રાજ્ય વચ્ચેના સંબંધોને વધારે મજબૂત બનાવવા વિશે રાબ અને યેડીયુરપ્પાએ ચર્ચા કરી હતી. બ્રિટિશ કાઉન્સિલ-કર્ણાટક સરકાર વચ્ચેની સમજૂતી આ સંદર્ભમાં ઉલ્લેખનીય છે.