ખેડૂતોને ગેરમાર્ગે ન દોરોઃ મોદીની વિપક્ષને વિનંતી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હાથ જોડીને વિરોધ પક્ષોને વિનંતી કરી હતી કે તેઓ સૌ એમના જૂના ચૂંટણી ઘોષણાપત્રોનું માન જાળવે જેમાં તેમણે કૃષિ ક્ષેત્રમાં સુધારાનું વચન આપ્યું હતું. મોદીએ વિપક્ષોને સાથોસાથ એવી વિનંતી પણ કરી છે કે તેઓ નવા કૃષિ કાયદાઓના મામલે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે.

વડા પ્રધાન મોદીએ આજે ખેડૂતોને વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ‘કિસાન કલ્યાણ’ કાર્યક્રમમાં સંબોધિત કર્યા હતા અને ત્યારે એમણે કહ્યું હતું કે મારી તમામ રાજકીય પક્ષોને બે હાથ જોડીને વિનંતી છે કે તમને મળેલો બધો શ્રેય તમે જ જાળવી રાખો. તમારો શ્રેય મારે નથી જોઈતો. હું પોતે તમારા જૂના ચૂંટણી ઘોષણાપત્રોને શ્રેય આપું છું. હું માત્ર ખેડૂતોના જીવનમાં સરળતા થાય એમ ઈચ્છું છું, હું એમની પ્રગતિ થાય એ ઈચ્છું છું અને ખેતીવાડીમાં આધુનિકતા આવે એમ ઈચ્છું છું. રાજકીય પક્ષોએ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ. કૃષિ કાયદાઓનો અમલ શરૂ થયાને છથી સાત મહિના વીતી ગયા છે. પરંતુ, અચાનક જ ભ્રમ અને જૂઠાણાની જાળ બિછાવીને પોતાની જ રાજકીય ભૂમિ પર રમત રમાવા લાગી છે.