જાન્યુઆરી પહેલા ખાતામાં આવી જશે પીએફનું 8.5%-વ્યાજ

નવી દિલ્હીઃ નોકરિયાત લોકો માટે સારા સમાચાર છે. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ સંસ્થા (ઈપીએફઓ) તેના છ કરોડથી વધારે ધારકોના ખાતામાં વર્ષ 2019-20 માટે કર્મચારી પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ) ઉપર પૂરેપૂરા 8.5 ટકા વ્યાજની રકમ આ વર્ષના અંત સુધીમાં જમા કરાવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ ઓફ ઈપીએફની વર્ચ્યુઅલ કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાઈ ગયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ સપ્ટેમ્બરમાં એવો નિર્ણય લેવાયો હતો 8.5 ટકા વ્યાજને બે ભાગમાં આપવું – 8.15 ટકા અને 0.35 ટકા. પણ હવે શેરબજારમાં તેજી આવી હોવાને કારણે પીએફ ધારકોને પૂરેપૂરા 8.5 ટકા વ્યાજની રકમ ચૂકવી દેવામાં સરકારને કોઈ તકલીફ નડે એમ નથી. વ્યાજની રકમ ખાતામાં જમા થઈ ગઈ છે એ વિશે ધારકોને મિસ્ડ કોલ દ્વારા જાણ કરવામાં આવશે.

પીએફ ધારક તેના એકાઉન્ટની બેલેન્સ વિગત આ રીતે જાણી શકે છેઃ એક, Umang એપ દ્વારા. આ એપ્લિકેશનની મદદથી કર્મચારીઓ એમના ફોન પર જ પીએફ બેલેન્સ જાણી શકશે. બીજું, ઈપીએફઓ પોર્ટલ મારફત – જેમાં તમારે તમારા પીએફ એકાઉન્ટને UAN (યૂનિવર્સલ એકાઉન્ટ નંબર) સાથે ટેગ કરવાનો રહેશે. ત્રીજું, ફોન પર એસએમએસ દ્વારા – જેમાં જો તમારો યૂએએન ઈપીએફઓ સાથે રજિસ્ટર થયો હશે તો તમે 7738299899 નંબર પર એસએમએસ મોકલીને લેટેસ્ટ યોગદાન તથા પીએફ બેલન્સની વિગત જાણી શકશો. એ માટે તમારે આ મેસેજ મોકલવાનો રહેશે – EPFOHO UAN ENG (પસંદની ભાષાના પહેલા ત્રણ અક્ષર માટે ENG છે). ચોથું મિસ્ડ કોલ દ્વારા – જેમાં તમે યૂએએન પોર્ટલ પર રજિસ્ટર થયા હશો તો તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ ફોન નંબર પરથી 011-22901406 નંબર પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમને તમારા એકાઉન્ટની વિગત મળશે.