ફ્લાવરના કિલોદીઠ રૂ. 1 મળતાં ખેડૂતે પાકનો નાશ કર્યો

શામલી-ઉત્તર પ્રદેશઃ દિલ્હીમાં ખેડૂતોના આંદોલનનો આજે 23મો દિવસ છે. દિલ્હીમાં એક તરફ ખેડૂતોનું ત્રણ કાયદા અને કૃષિ પેદાશોની મિનિમમ સપોર્ટ (MSP) વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. બીજી બાજુ, શામલીના માયાપુરી ગામમાં ખેડૂતે ફ્લાવરના ઊભા પાકને નષ્ટ કરી દીધો છે. તેણે દાવો કર્યો છે કે તેને ફ્લાવર પ્રતિ કિલો એક રૂપિયે વેચવાની ફરજ પાડવામાં આવી રહી છે, જે પડતર કિંમત કરતાં પણ નીચી છે. હું ફ્લાવર વેચી શકવા સમર્થ નથી, કેમ કે મને ફ્લાવરના પ્રતિ કિલો માત્ર રૂ. એક મળી રહ્યો છે. મેં ફ્લાવરનું પાંચ વીઘા જમીનમાં વાવેતર કર્યું છે,એમ રમેશ નામના ખેડૂતે કહ્યું હતું. તેણે નવા કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં ના હોવાનું જણાવતાં ખેડૂતોના આંદોલનને ટેકો આપ્યો હતો.

ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જસજિત કૌરે જણાવ્યું હતું કે તેમણે હોર્ટિકલ્ચરના અધિકારીઓ અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને એ ખેડૂતને મળવા માટે આદેશ આપ્યા છે.

માયાપુરી ગામના ખેડૂતે ફ્લાવરના ઊભા પાકનો નાશ કરી દીધાનો કેસ અમારા ધ્યાનમાં આવ્યો છે. જેથી હોર્ટિકલ્ચર અધિકારીઓ અને SDMને એ ખેડૂતને મળવા માટે અમે આદેશ આપ્યા છે અને તેમને આ વિશે વિગતવાર અહેવાલ સુપરત કરવા જણાવવામાં આવ્યું છે અને પગલાં લેવા માટે પણ કહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.