નવી દિલ્હીઃ દેશનાં નાગરિકો માટે આધાર કાર્ડ બનાવતી સંસ્થા UIDAI (યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ બનાવટી આધાર કાર્ડને ઓળખવાની શરૂઆત કરી દીધી છે. સાથોસાથ, એવા બનાવટી-નકલી આધાર કાર્ડને રદ કરવાનું કામકાજ પણ શરૂ કરી દીધું છે. એક અખબારી અહેવાલ પ્રમાણે UIDAI સંસ્થાએ અત્યાર સુધીમાં છ લાખ જેટલા નકલી આધાર કાર્ડ રદ કરી દીધા છે.
ભારતમાં આધાર કાર્ડ પ્રત્યેક નાગરિક માટે ખૂબ મહત્ત્વનો દસ્તાવેજ છે. કોઈ પણ સરકારી સેવાનો લાભ લેવા માટે આધાર કાર્ડ હોવું નાગરિક માટે અનિવાર્ય છે. પરંતુ દેશભરમાં નકલી આધાર કાર્ડ બનાવી આપવાની પ્રવૃત્તિઓ વધી ગઈ હોવાની ફરિયાદોને પગલે સરકારે પગલાં ભર્યાં છે.