નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના આગ્રામાં પ્રજાપતિમ બ્રહ્માકુમારી આશ્રમમાં રહેતી બે સગી બહેનોએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આ ઘટના આગ્રાના જગનેરમાં બની હતી. બંને બહેનોએ આપઘાત કરતાં પહેલાં સુસાઇટ નોટપણ લખી હતી, જેમાં તેમણે સંસ્થાના જ ચાર લોકો પર કેટલાય ગંભીર આરોપ લગાવ્યા હતા.
તેમણે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે તેમને આશ્રમના ચાર લોકો નીરજ સિંઘલ, ધોલપુરના તારાચંદ, નીરજના પિતા અને ગ્વાલિયરના આશ્રમમાં રહેતી એક મહિલા એક વર્ષથી હેરાન કરતા હતા અને તેમણે તેની પર પૈસા હડપવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે એ મહિલા સાથે આરોપીઓના અનૈતિક સંબંધો પણ હતા. આ આરોપીઓએ આશરે રૂ. 25 લાખ ઓળવી લીધા છે.
આ બે સગી બહેનોએ આત્મહત્યા કરતાં પહેલાં બ્રહ્મા કુમારી આશ્રમના વોટ્સએપ ગ્રુપમાં બે સુસાઇડ નોટ મોકલી હતી. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને વિનંતી કરી છે કે તેમની આત્મહત્યા માટે જવાબદાર છે તેવી વ્યક્તિને સાધુ આસારામની જેમ આજીવન કેદની સજા આપજો. બંને બહેનોએ છત પર પંખાના હૂક પર લટકીને આત્મહત્યા કરી હતી.
જગનેરની રહેવાસી એકતા (37) અને શિખા (34) લાંબા સમયથી બ્રહ્મા કુમારી આશ્રમ સાથે સંકળાયેલી હતી. ચાર વર્ષ પહેલા જગનેરના બસાઈ રોડ પર બ્રહ્મા કુમારી આશ્રમની સ્થાપના બાદ તે ત્યાં રહેવા લાગી હતી. જગનેરના બ્રહ્મા કુમારી આશ્રમમાં આત્મહત્યા કરનાર બંને બહેનોએ આઠ વર્ષ પહેલા માઉન્ટ આબુમાં દીક્ષા લીધી હતી. એકતા અને શિખાએ સુસાઇડ નોટમાં આશ્રમના ચાર કર્મચારીઓને આત્મહત્યાના પગલા માટે જવાબદાર ઠરાવ્યા છે. આ સુસાઇડ નોટમાં લખ્યું છે કે બંને બહેનો છેલ્લા એક વર્ષથી તણાવમાં હતી. આ સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે તેમના મૃત્યુ બાદ કેન્દ્ર દ્વારા ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં આવે. આ જવાબદારોને આસારામ બાપુની જેમ જ આજીવન કેદની સજા થવી જોઈએ.