ઈરાદાપૂર્વક નકલી ચલણી નોટોનો ઉપયોગ કરનાર મહિલા, પુરુષને 10 વર્ષની જેલ

મુંબઈઃ 2015ની સાલમાં નકલી કરન્સી નોટોનો ઈરાદાપૂર્વક ઉપયોગ કરવાના એક કેસમાં પકડાયેલા બે જણને સ્થાનિક કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આરોપીઓમાં એક મહિલા છે. એડિશનલ સેશન્સ જજ રાજેશ કટારિયાએ કહ્યું કે આ ગુનો અત્યંત ગંભીર પ્રકારનો છે અને તેણે આપણા દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું છે.

શહેરના સાંતાક્રુઝ (ઈસ્ટ)માં એક કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના એક એજન્ટે નોંધાવેલી ફરિયાદ બાદ બંને આરોપી પકડાયા હતા. તે એજન્ટે કહ્યું હતું કે 2015ના નવેમ્બરમાં એને એક દુકાનદાર પાસેથી નકલી ચલણી નોટ મળી હતી. દુકાનદારે પોલીસને કહ્યું હતું કે એને તે નોટ એક મહિલાએ દુકાનમાંથી માલની ખરીદી પર આપી હતી. તે નોટ પરનો વોટરમાર્ક અને કેટલાક શબ્દો અલગ હતા. નોટનો કાગળ પણ વધારે જાડો હતો.

પોલીસે અલ્તા શેખ નામની મહિલાની ધરપકડ કરી હતી. તેની સાથે ઝાકીર શેખ નામના શખ્સને પણ પકડ્યો હતો. બંને પાસેથી 33 નકલી ચલણી નોટો મળી આવી હતી.

જજે પોતાના ઓર્ડરમાં કહ્યું કે બંને આરોપીને ખબર હતી કે તેઓ નકલી ચલણી નોટનો ઉપયોગ કરે છે. એમનો ગુનો અત્યંત ગંભીર પ્રકારનો છે. જજે કહ્યું કે, આ બંને જણને 10 વર્ષની જેલની સજા આપવાથી જ ન્યાય થયો કહેવાશે.