ઉદ્ધવ ઠાકરેના બે સાંસદો CM એકનાથ શિંદેના સંપર્કમાં

નવી  દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024નાં પરિણામો જાહેર થયાં પછી પણ શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. પહેલાં તેમની સીટો 2019ની તુલનાએ ઓછી થઈ હવે તેમની પાર્ટીના બે નવા સાંસદોએ મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેનો સંપર્ક કર્યો છે. તેમણે NDAમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી છે. શિવસેના શિંદે જૂથે એનો દાવો કર્યો છે.

શિવસેના શિંદે જૂથના નેતા અને નવા ચૂંટાયેલા સાંસદ નરેશ મ્હસ્કેએ કહ્યું હતું કે શિવસેના (UBT)થી ચૂંટાઈ આવેલા બે સાંસદોએ શિંદેનો સંપર્ક કર્યો હતો. તેઓ NDA અને શિવસેના શિંદેની સાથે આવવા ઇચ્છે છે. શિંદે જૂથે દાવો કર્યો હતો કે ઉદ્ધવ જૂથના બે સાંસદો સંપર્કમાં છે અને ચાર સાંસદો લાઇનમાં છે, જે ટૂંક સમયમાં શિંદે જૂથથી સંપર્ક કરવાના છે.

મ્હસ્કેના નિવેદનથી UBT જૂથમાં હડકંપ મચી ગયો છે. હાલ આ મુદ્દે કોઈ પણ નેતા વાત કરવા તૈયાર નથી. મુખ્ય મંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાની પાર્ટીમાં બળવા પછી મહા યુતિની સાથે મળીને પહેલી વાર લોકસભા ચૂંટણી લડી હતી. 15 સીટો પર ચૂંટણી લડનાર શિંદેની શિવસેનાને કુલ સાત સીટ મળી હતી, જ્યારે ઉદ્ધવ જૂથની શિવસેનાના ખાતામાં નવ સીટો ગઈ છે.

આ પહેલાં શિવસેનાના વિદાનસભ્ય સંજય શિરસાટે દાવો કર્યો હતો કે આગામી કેટલાક દિવસોમાં શિવસેના (UBT)ના કેટલાક નેતાઓ તેમની પાર્ટીમાં સામેલ થશે. તેમણે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે શિવસેના (UBT)ના કેટલાક મહત્ત્વના લોકો 10 જૂનથી પહેલાં અમારી પાર્ટીમાં સામેલ થશે.ચૂંટણી પહેલાં પણ શિવસેના (UBT)ના કેટલાક નેતાઓએ દાવો કર્યો હતો કે મુખ્ય મંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં પાંચ-સાત વિધાનસભ્ય ટૂંક સમયમાં પાલો બદલશે.