આસામ વિધાનસભામાં બે કલાકનો જુમ્મા બ્રેક ખતમ

નવી દિલ્હીઃ આસામના CM હિમંતા બિશ્વ સરમાએ X પોસ્ટ કરીને કહ્યું છે કે બે કલાકના જુમ્મા બ્રેકને ખતમ કરીને આસામ વિધાનસભાની ઉત્પાદકતાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને ઔપનિવેશિક યોજના એક નિશાનને દૂર કરી દીધું છે. આ પ્રથાનો પ્રારંભ મુસ્લિમ લીગના સૈયદ સાદુલ્લાએ વર્ષ 1937માં કરી હતી.

CMએ આ ઐતિહાસિક નિર્ણય માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પીકર બિશ્વજિત દૈમારી અને વિધાનસભ્યોની પ્રશંસા કરી હતી. આસામ સરકારમાં મંત્રી અને ભાજપના નેતા પીયુષ હજારિકાએ આ નિર્ણય પર X પોસ્ટમાં કહ્યું હતું કે આસામમાં સાચી ધર્મનિરપેક્ષતાને ફરીથી મેળવવાની દિશામાં એક મહત્ત્વનું કામ થયું છે. આસામ વિધાનસભાએ દર શુક્રવારે જુમ્માની નમાજ માટે બે કલાકના સ્થગનની પ્રથાને ખતમ કરી દીધી છે.

આ પહેલાં આસામ વિધાનસભામાં ગુરુવારે મુસ્લિમોના લગ્ન અને છૂટાછેડાની ફરજિયાત સરકારી નોંધણી કરાવા અંગેનું બિલ પસાર કરવામાં આવ્યું છે, જે હવે રાજ્યમાં 1935ના કાયદાનું સ્થાન લેશે. આ દિવસને ઐતિહાસિક દિવસ ગણાવતાં CM હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે હવે તેમની સરકારનું આગામી લક્ષ્ય બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાનું હશે.

સોશિયલ મિડિયા X પર એક પોસ્ટમાં CMએ લખ્યું હતું કે આ કાયદો હવે લગ્નની સરકારમાં નોંધણી કરાવવાનું ફરજિયાત બનાવશે અને છોકરીઓ માટે 18 વર્ષ તથા છોકરાઓ માટે 21 વર્ષની લગ્નની કાનૂની વયનું ઉલ્લંઘન કરી શકાશે નહીં. આ કાયદો કિશોરવયની ગર્ભાવસ્થા સામે મજબૂત અવરોધક તરીકે પણ કામ કરશે અને અમારી છોકરીઓના સર્વાંગી વિકાસમાં સુધારો થશે.

તેમણે આગળ લખ્યું હતું કે હું તમામ ધારાસભ્યોનો આભાર માનું છું કે જેમણે આ બિલ લાવવા અને બાળ લગ્નને રોકવા માટેના સરકારના અભિગમને સમર્થન આપવાનું વચન આપ્યું છે. આ બિલ પક્ષપાતી રાજનીતિથી પર છે અને આપણી છોકરીઓને ગૌરવપૂર્ણ જીવન આપવાનું માધ્યમ છે.