ઓમિક્રોનમાં વધારા છતાં પ્રવાસીઓનો ઉજવણી માટે ગોવામાં ધસારો

પણજીઃ દેશમાં અને વિશ્વમાં કોરોના વાઇરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી પ્રસરી રહ્યો છે. દેશમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 961 કેસો નોંધાઈ ચૂક્યા છે, તેમ છતાં દેશના વિવિધ ભાગોમાંથી પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી કરવા માટે ગોવા પહોંચી રહ્યા છે, કેમ કે ગોવામાં હજી સુધી નાઇટ કરફ્યુ લગાવવામાં નથી આવ્યો. ગોવામાં નવા વર્ષની ઉજવણી કરવા માટે આવેલા એક પ્રવાસી જોયે કહ્યું હતું કે સરકારે જ નહીં, પણ લોકોએ પણ રોગચાળા પર અંકુશ લગાવવા પર વિચારવું જોઈએ. છેલ્લાં બે વર્ષથી લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે અને તણાવમાં છે, એટલે અમે અહીં નવા વર્ષની ઉજવણી કરવા માટે આવ્યા છીએ.

તેણે કહ્યું હતું કે સરકારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને પાત્રિ કરફ્યુ લગાવ્યો છે, પણ ગોવામાં રાત્રિ કરફ્યુ નથી. લોકોએ કોરોનાના પ્રોટોકોલ- જેવા કે માસ્ક, સામાજિક અંતર અને સેનિયાઇઝરનો વ્યાપક ઉપયોગ કરવો જોઈએ, એમ તેણે કહ્યું હતું. અન્ય એક પ્રવાસી જસ્ટિને કહ્યું હતું કે હાલમાં દેશમાં કોરોનાના કેસોમાં વધારાને જોતાં કોરોનાની બંને રસીની લેવી મહત્ત્વની છે. અમે હાલ ક્રૂઝ પર છીએ અને મોજમસ્તી કરવા આવ્યા છીએ.

કોલકાતાની પ્રવાસી સુષ્મિતા રોયે કહ્યું હતું કે સ્વસ્થ જીવન માટે આનંદ લેવો મહત્ત્વનો છે. અમે ગોવા આવ્યા છીએ અને બહુ મોજમસ્તી કરી રહ્યા છીએ. ગોવામાં બધા સમુદ્રકિનારાઓ સાફસફાઈ થયેલા છે. અમે રસીના બંને ડોઝ લીધેલા છીએ. રાત્રિ કરફ્યુ યોગ્ય નિર્ણય છે, પણ સ્વસ્થ જીવન માટે આનંદ જરૂરી છે.