પશ્ચિમ બંગાળે યૂકેથી આવતી ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટની સંખ્યા વધવાથી ગભરાટ ચાલુ રહ્યો છે. આજે કેરળમાં ઓમિક્રોનના વધુ 9 કેસ નોંધાયા છે જ્યારે જયપુરમાં ચાર જણને ઓમિક્રોન થયાનું માલૂમ પડ્યું છે. ભારતમાં આ વેરિઅન્ટનો શિકાર બનેલાઓની સંખ્યા વધીને 961 થઈ છે. અત્યાર સુધીમાં કુલ 320 ઓમિક્રોન દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસોની બાબતમાં ટોચના પાંચ રાજ્યોના નામ જાહેર કર્યા છે. કેરળનો હિસ્સો 25.66 ટકા છે જ્યારે મહારાષ્ટ્રનો 21.33 ટકા, કર્ણાટકનો 9.47 ટકા, પશ્ચિમ બંગાળનો 9.38 ટકા અને તામિલનાડુનો 8.08 ટકા છે.

પશ્ચિમ બંગાળ સરકારે આદેશ બહાર પાડ્યો છે કે બ્રિટનથી કોલકાતા આવતી તમામ ડાયરેક્ટ ફ્લાઈટ્સને 3 જાન્યુઆરીથી સસ્પેન્ડ કરાશે. કોરોના સંક્રમણ માટે બિન-જોખમી દેશોમાંથી આવનારા લોકોએ પશ્ચિમ બંગાળમાં આવી પહોંચ્યા બાદ એમના ખર્ચે કોવિડ-19 ટેસ્ટ કરાવવી પડશે. એરલાઈનો વિદેશથી આવનાર કુલ પ્રવાસીઓમાંથી અટકળ અનુસાર 10 ટકાની RT-PCR પદ્ધતિથી ટેસ્ટ કરશે.