બધા પક્ષોનો સમાન-મતઃ ઉ.પ્ર.માં સમયસર-ચૂંટણી યોજવી જોઈએ

નવી દિલ્હીઃ દેશના વડા ચૂંટણી કમિશનર સુરેશ ચંદ્રએ આજે કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યા હતા અને વિનંતી કરી હતી કે રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણી કોવિડ-19 નિયંત્રણોના પાલન સાથે નિયત સમયે યોજવી જોઈએ.

સુરેશ ચંદ્રએ વધુમાં કહ્યું કે મતદાનની તારીખે સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. ઉત્તર પ્રદેશમાં નવા 52.08 લાખ મતદારો નોંધાયા છે, જેઓ આગામી ચૂંટણીમાં મતદાન કરી શકશે. તમામ વોટિંગ બૂથ ખાતે VVPAT મશીનો મૂકવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શક્તા રહે એ માટે 1 લાખ જેટલા વોટિંગ બૂથ ખાતે લાઈવ વેબકાસ્ટિંગ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે. ઉત્તર પ્રદેશમાં 403 બેઠકો માટે આવતા વર્ષના ફેબ્રુઆરી-માર્ચમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે. હાલની વિધાનસભાની ચૂંટણી 2017માં થઈ હતી અને તેની મુદત 2022ની 14 મેએ પૂરી થાય છે.