નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસની ત્રીજી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે લોકોએ અમુક પર્યટન સ્થળોની મુલાકાતે જવાનું ટાળવું જોઈએ. વધારે લોકો એકત્ર ન થાય એટલા માટે અમુક પર્યટન સ્થળોના વહીવટીતંત્રોએ પણ નિયંત્રણો લાગુ કર્યા છે. તાજેતરમાં કોરોનાની બીજી લહેર ફેલાઈ હોવા છતાં હિમાચલ પ્રદેશના મનાલીમાં પર્યટકોના અભૂતપૂર્વ ટોળા જામ્યા હતા એની તસવીરો સોશિયલ મિડિયા પર જોવા મળ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. સરકારોને કડક પગલાં ભરવાની ફરજ પડી હતી.
હવે કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે દેશના આ ત્રણ મુખ્ય પર્યટન સ્થળોએ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ સ્થળો છે – શિમલા, નૈનીતાલ અને જયપુરના કિલ્લાઓ. હિલ સ્ટેશન શિમલામાં ટેકરીઓ પર કે મોલ-રોડ પરની ફૂટપાથ પર માત્ર વરિષ્ઠ નાગરિકોને જ બેસવાની પરવાનગી છે. ઉત્તરાખંડના હિલ સ્ટેશનો નૈનીતાલ અને મસુરીમાંથી પર્યટકોનાં ટોળા થતા રોકવા માટે સરકારે લીધેલા પગલાંના ભાગરૂપે સ્થાનિક વહીવટીતંત્રએ 800થી વધારે પર્યટક વાહનોને પાછા વાળી દીધા છે. ઉત્તરાખંડમાં પ્રવેશ કરનાર રાજ્ય બહારની કોઈ પણ વ્યક્તિએ હોટેલમાં રોકાણનું બુકિંગ કરતા પહેલાં RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો ફરજિયાત છે. પોલીસતંત્રએ અપીલ કરી છે કે પર્યટકો નૈનીતાલ અને મસુરી જવાનું ટાળે. જયપુરના કિલ્લાઓમાં 4000થી વધારે લોકો એકત્ર થતાં વહીવટીતંત્ર ચોંકી ઉઠ્યા છે.
