નવી દિલ્હી/અમદાવાદ – સાત રાઉન્ડની લોકસભા ચૂંટણીના ત્રીજા રાઉન્ડ માટે આજે ગુજરાત સહિત 13 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું જે સાંજે 6 વાગ્યે પૂરું થયું હતું. આજના રાઉન્ડમાં સરેરાશ 64.66 ટકા મતદાન થયું હોવાનો અહેવાલ છે. આ રાઉન્ડમાં 116 બેઠકો માટે મતદાન થયું હતું.
પ્રાપ્ત આંકડા અનુસાર, રાજ્યવાર જોઈએ તો, ગુજરાતમાં 64.11 ટકા, આસામમાં 78.29 ટકા, બિહારમાં 60, ગોવામાં 71.09, જમ્મુ અને કશ્મીરમાં 12.86, કર્ણાટકમાં 64.14, કેરળમાં 70.21, મહારાષ્ટ્રમાં 56.57, ઓડિશામાં 58.18, ત્રિપુરામાં 78.52, ઉત્તર પ્રદેશમાં 60.52, પશ્ચિમ બંગાળમાં 79.36, છત્તીસગઢમાં 65.91, દાદરા અને નગર હવેલીમાં 71.43 ટકા તથા દમણ અને દીવમાં 65.34 ટકા મતદાન થયું હતું.
આજના રાઉન્ડમાં 18 કરોડ 85 લાખ મતદારોને મતાધિકાર કરવાનો મોકો મળ્યો હતો. આમાં 96598912 પુરુષો હતા અને 86226460 મહિલાઓ હતી. 7043 મતદારો તૃતિયપંથી હતા.
આજના રાઉન્ડનું મતદાન 1,640 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે.
ગુજરાતમાં મતદાન માટે એક જ રાઉન્ડ રાખવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં નિશાન સ્કૂલમાં જઈને મતદાન કર્યું હતું. મતદાન કરીને બહાર આવ્યા બાદ મોદીએ સૌને પોતાની આંગળી પર શાહીનું નિશાન બતાવ્યું હતું. મતદાન કર્યા બાદ એમણે પત્રકારોને કહ્યું, ‘મેં મતદાન કરીને મારી ફરજ અદા કરી છે.’
ગુજરાતની 26 બેઠકો છેઃ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી, સુરત, નવસારી અને વલસાડ.
ચૂંટણીના સાતેય તબક્કાઓમાં આજનો તબક્કો સૌથી મોટો હતો. પહેલા રાઉન્ડમાં 91 બેઠકો માટે 69.50 ટકા મતદાન થયું હતું જ્યારે બીજા રાઉન્ડમાં 95 બેઠકો માટે 69.44 ટકા લોકોએ મતદાન કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં વોટ આપવા જતા પહેલાં ગાંધીનગરમાં એમના માતા હીરાબાને મળવા ઘેર ગયા હતા અને એમના આશીર્વાદ લીધા હતા.
આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કશ્મીર, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, ઓડિશા, ઉત્તર પ્રદેશ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં તેમજ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ મતદાન થયું.
ગુજરાતમાં તમામ 26 સીટ પર અને કેરળમાં તમામ 20 સીટ પર મતદાન થયું. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 14-14, ઉત્તર પ્રદેશમાં 10, છત્તીસગઢમાં સાત, ઓડિશામાં 6, બિહાર અને પશ્ચિમ બંગાળમાં પાંચ-પાંચ, આસામમાં 4, ગોવામાં 2, જમ્મ-કશ્મીર તથા દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, દમણ અને દીવમાં એક-એક બેઠક માટે મતદાન થયું.
ત્રીજા રાઉન્ડમાં જેમનું ચૂંટણી ભાવિ ઈવીએમ મશીનોમાં કેદ થઈ જશે એમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી (વાયનાડ, કેરળ), ભાજપપ્રમુખ અમિત શાહ (ગાંધીનગર, ગુજરાત), ભાજપનાં જયાપ્રદા અને સમાજવાદી પાર્ટીના આઝમ ખાન (રામપુર, ઉત્તર પ્રદેશ), સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવ (મૈનપુરી, ઉત્તર પ્રદેશ), લોકતાંત્રિક જનતા દળના પ્રમુખ શરદ યાદવ (મધેપુરા, બિહાર), કોંગ્રેસના શશી થરૂર (તિરુવનંતપુરમ, કેરળ), પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનાં વડાં મેહબૂબા મુફ્તી (અનંતનાગ, જમ્મુ અને કશ્મીર), ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રા (પુરી, ઓડિશા).