બોલીવૂડ અભિનેતા સની દેઓલ ભાજપમાં જોડાયા, ગુરદાસપુરમાંથી ચૂંટણી લડશે

નવી દિલ્હી – બોલીવૂડ અભિનેતા સની દેઓલે રાજકારણમાં પ્રવેશ કર્યો છે અને તે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. ભાજપે આજે જ એમને પંજાબમાં ગુરદાસપુર લોકસભા બેઠક માટે પોતાના ઉમેદવાર તરીકે ઘોષિત કરી દીધા છે.

દેઓલને આજે અહીં ભાજપના મુખ્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં  પક્ષમાં આવકાર આપવામાં આવ્યો હતો. નિર્મલા સીતારામન, પીયૂષ ગોયલ અને કેપ્ટન અભિમન્યૂ જેવા સિનિયર નેતાઓએ એમને આવકાર આપ્યો હતો.

બાદમાં પત્રકારોને સંબોધિત કરતાં દેઓલે કહ્યું હતું કે હું મોદીજી સાથે કામ કરવા અને એમને ટેકો આપવા માટે હું આજે અહીંયા આવ્યો છું. મારું કામ જ બોલશે.

દેઓલે વધુમાં કહ્યું કે દેશને વડા પ્રધાન તરીકે ફરી નરેન્દ્ર મોદીની જરૂર છે. મારા પિતા અટલજી સાથે સંકળાયેલા હતા અને હું મોદીજીને ટેકો આપવા માટે ભાજપમાં આવ્યો છું. આ પરિવાર (ભાજપ) માટે હું શક્ય હશે એટલું બધું કરીશ.

62 વર્ષીય દેઓલ ગયા અઠવાડિયે પુણે એરપોર્ટ પર ભાજપના પ્રમુખ અમિત શાહને મળ્યા હતા ત્યારથી જ એવી અટકળો વહેતી થઈ હતી કે દેઓલ ભાજપમાં જોડાશે. આખરે એ અટકળો આજે દેઓલના ભાજપપ્રવેશ સાથે સાચી પડી છે.

ઉલ્લેખનીય છે કે, સની દેઓલના પિતા અને પીઢ અભિનેતા ધર્મેન્દ્ર અગાઉ ભાજપમાં હતા અને રાજસ્થાનના બિકાનેરમાંથી ચૂંટણી લડી ભાજપના સંસદસભ્ય બન્યા હતા. ધર્મેન્દ્રના પત્ની હેમા માલિની મથુરામાંથી ભાજપના સંસદસભ્ય છે.

પંજાબમાં લોકસભાની 10 સીટ માટે મતદાન 19 મેએ થવાનું છે જે વર્તમાન લોકસભા ચૂંટણીનો સાતમો અને આખરી તબક્કો હશે.

ગુરદાસપુર બેઠક પર સની દેઓલ મુકાબલો કરશે પંજાબ કોંગ્રેસ પ્રમુખ સુનીલ જાખડ સાથે.

ચૂંટણીના પરિણામો 23 મેએ જાહેર કરાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]