કોરોના સામેના જંગમાં દેશ આજે ઉજવશે પ્રકાશપર્વઃ આટલી સાવચેતી રાખજો

મુંબઈઃ દેશભરમાં ફેલાયેલા કોરોના વાઈરસના રોગચાળાને કાબૂમાં રાખવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા શુક્રવારે એક વિડિયો સંદેશ દ્વારા લોકોને અપીલ કરી હતી કે સૌ પાંચ એપ્રિલના રવિવારે રાતે 9 વાગ્યે 9 મિનિટ સુધી એમનાં ઘરની લાઈટ્સ બંધ રાખે અને મીણબત્તી કે દીવડો પેટાવીને કે ટોર્ચ ચાલુ કરીને કે મોબાઈલ ફોનની ફ્લેશ લાઈટ ચાલુ કરીને પ્રકાશનો ફેલાવો કરે.

કોરોના વાઈરસ સામે દુનિયાના તમામ દેશોએ જંગ આદર્યો છે. કોરોનાને કારણે સમાજમાં જે અંધકાર ફેલાઈ ગયો છે એને પ્રકાશ ફેલાવીને દૂર કરવા માટે એક સામૂહિક-સાંકેતિક લડાઈ રૂપે રવિવારે રાતે લાઈટ્સ બંધ કરીને લોકો પોતપોતાના ઘરની બાલ્કનીમાં, બારીમાં કે દરવાજે ઊભીને પ્રકાશ ફેલાવે એવી મોદીએ અપીલ કરી છે. એમણે ભારપૂર્વક કહ્યું હતું કે આ માટે લોકોએ એમના ઘરની બહાર નીકળવાનું નથી.

મોદીની આ અપીલનો અમલ કરવા માટે દેશની જનતા આજે પણ સજ્જ થઈ ગઈ છે. આ પહેલાં, મોદીએ ‘જનતા કર્ફ્યૂ’ના દિવસે લોકોને અપીલ કરી હતી કે બરાબર સાંજે પાંચ વાગ્યે સૌ પોતપોતાના ઘરની બાલ્કનીમાં કે દરવાજે કે બારીમાં ઊભીને પાંચ મિનિટ સુધી તાળી પાડે, થાળી-વેલણ વગાડે અને એમ કરીને સૌ એવા ડોક્ટરો, હેલ્થકેર કર્મચારીઓ તથા અન્ય કર્મચારીઓનું અભિવાદન કરે જેઓ પોતાના જાનને જોખમમાં મૂકીને દર્દીઓને બચાવી રહ્યાં છે, કોરોના સામે લડી રહ્યાં છે.

આજે રાતે 9 વાગ્યે લાઈટ બંધ કરીને મીણબત્તી, દીવો પેટાવવાની મોદીની અપીલ સામે કેન્દ્ર સરકારે અમુક સાવચેતી રાખવાની પણ લોકોને અપીલ કરી છે. ખાસ એ ધ્યાન રાખવાનું છે કે મીણબત્તી કે દીવો પેટાવતી વખતે આલ્કોહોલ મિશ્રિત હેન્ડ સેનિટાઈઝર વાપરવું નહીં. જો કોઈ આલ્કોહોલ મિશ્રિત હેન્ડ સેનિટાઈઝર વાપરશે અને એ જ વખતે મીણબત્તી કે દીવો પેટાવશે તો આલ્કોહોલ સળગવાની સંભાવના રહેશે અને એવા સંજોગોમાં વ્યક્તિનો હાથ દાઝી જવાની સંભાવના રહેશે. તેથી મીણબત્તી કે દીવો પેટાવતા પહેલા હાથ પર આલ્કોહોલ મિશ્રિત હેન્ડ સેનિટાઈઝર લગાડવું નહીં, એવી સલાહ સરકારે આપી છે.

આમ, આવી કાળજી લઈને જ દેશવાસીઓએ આજે રાતે 9 વાગ્યે પ્રકાશપર્વ મનાવવાનો છે.

મોદીએ એમના વિડિયો સંદેશમાં કહ્યું હતું કે આ અંધકારમાં લડી રહેલા લોકો એકલા નથી અને આપણે સહુ એમની સાથે છીએ એ બતાવવા માટે આપણે પ્રકાશપર્વ ઉજવવાનો છે.

દેશભરમાં તમામ ઘરોમાં એક સાથે લાઈટો બંધ કરી દેવાશે અને 9 મિનિટ પછી એક સાથે ચાલુ કરવામાં આવશે તો વોલ્ટેજમાં ઉતાર-ચઢાવ આવવાને કારણે પાવર ગ્રિડ પર દબાણ આવી પડશે અને લોકોના ઘરવપરાશના ઉપકરણો બંધ થઈ શકે છે એવી માત્ર અફવાઓ જ છે એવો ખુલાસો કેન્દ્ર સરકારની એજન્સી પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો સંસ્થાએ તેના ટ્વિટર હેન્ડલ પર કર્યો છે. એણે જણાવ્યું છે કે લોકોએ આ પ્રકારની અફવાઓ અને બિનવૈજ્ઞાનિક કારણોને માનવા નહીં. વડા પ્રધાનની હાકલ કોરોના વાઈરસ સામે આપણી સહિયારી લડતમાં એકતા અને આત્મવિશ્વાસ વ્યક્ત કરવા માટેની પહેલ છે. કોવિડ-19ને દૂર રાખવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખજો, એવી અપીલ પણ પીઆઈબી સંસ્થાએ કરી છે.

સંસ્થાએ ચોખવટ કરી છે કે રસ્તાઓ પરની લાઈટ્સને બંધ કરવામાં નહીં આવે કે લોકોએ એમના ઘરમાં રેફ્રિજરેટર, ટીવી કે એરકન્ડિશનર જેવા સાધનો બંધ કરવાની પણ જરૂર નથી. દરમિયાન, વીજપુરવઠામાં સંતુલન જાળવી રાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]