મુંબઈ – ગઈ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ હડતાળ પાડ્યા બાદ જાહેર ક્ષેત્રની બેન્કોના લાખો કર્મચારીઓ આવતા મહિને ફરી હડતાળ પર જવાના છે.
માર્ચમાં તેઓ 3 દિવસ હડતાળ પાડવાના છે. એ માટે તેઓ આવતા અઠવાડિયે નિર્ણય લેશે. જો માર્ચના બીજા અઠવાડિયામાં તેઓ 3 દિવસ હડતાળ પડશે તો ઘણી બેન્કો તથા એટીએમ સતત પાંચ દિવસ બંધ રહેશે.
બેન્ક એમ્પલોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોઈઝ એસોસિએશનના સૂત્રોના જણાવ્યા મુજબ, ઈન્ડિયન બેન્ક્સ એસોસિએશન સાથે પગાર વધારાને લગતી વાટાઘાટો નિષ્ફળ ગઈ હોવાથી બેન્ક કર્મચારીઓ 11, 12 અને 13 માર્ચે હડતાળ પર જશે. મહિનાનો બીજો શનિવાર અને રવિવારની રજા આવનાર હોવાથી માર્ચના તે અઠવાડિયામાં બેન્કો સતત પાંચ દિવસ બંધ રહેશે. એને કારણે બેન્કિંગ કામકાજ ખોરવાશે તથા એટીએમ મશીનો પણ ખાલી રહેશે.
એ હડતાળમાં જોકે આઈસીઆઈસીઆઈ બેન્ક અને એચડીએફસી જેવી ખાનગી ક્ષેત્રની બેન્કો નહીં જોડાય.
આ વર્ષે બેન્ક કર્મચારીઓની તે ત્રીજી હડતાળ બનશે. 8 જાન્યુઆરીએ ભારત બંધ દરમિયાન પણ બેન્ક સેવાઓ બંધ રાખવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની નીતિઓના વિરોધમાં બેન્ક કર્મચારીઓના યુનિયનો બંધમાં જોડાયા હતા.
પગાર વધારાને લગતી માગણીઓનો જો સ્વીકાર કરવામાં નહીં આવે તો આ વર્ષની 1 એપ્રિલથી તો બેન્ક કર્મચારીઓએ રાષ્ટ્રવ્યાપી બેમુદત હડતાળ પર જવાની ધમકી આપી છે.
