24 કલાક પછી સત્તાવાર જાહેરાતઃ દિલ્હીમાં 62.59% મતદાન થયું હતું

નવી દિલ્હી – દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શનિવારે થયેલા મતદાનની આખરી ટકાવારી 62.59 ટકા હતી, એમ ચૂંટણી પંચે આજે અહીં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

70-બેઠકોની દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂરું થઈ ગયાના ચોવીસ કલાક બાદ ચૂંટણી પંચે મતદાનની ટકાવારીની જાહેરાત કરી છે. આ વિલંબ બદલ પંચની શાસક આમ આદમી પાર્ટી દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે.

જોકે આજની પત્રકાર પરિષદમાં દિલ્હી ચૂંટણી પંચના અધિકારીઓએ એમના બચાવમાં કહ્યું હતું કે મતદાનની ટકાવારી ઘોષિત કરવામાં કોઈ પ્રકારનો વિલંબ થયો નથી, ચોક્સાઈ મહત્ત્વની હોય છે.

શનિવારના મતદાન અંગે ચૂંટણી પંચે આપેલી જાણકારી મુજબ, 2015ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે દિલ્હીમાં પાંચ ટકા ઓછું મતદાન થયું છે.

દિલ્હી વડા ચૂંટણી અધિકારી રણબીર સિંહે કહ્યું કે ચૂંટણી પંચે દિલ્હીના 13,780 મતદાન બૂથમાંથી માહિતી એકઠી કરી છે. ચાંદની ચોકમાં બાલીમારનમાં સૌથી વધારે, 71.16 ટકા મતદાન થયું હતું જ્યારે સૌથી ઓછું મતદાન દિલ્હી કેન્ટોનમેન્ટ વિસ્તારમાં થયું છે – 45.4 ટકા.

AAP પાર્ટીએ મતદાનની સત્તાવારી ટકાવારી ઘોષિત કરવામાં ચૂંટણી પંચે કરેલા વિલંબ બદલ સવાલ ઉઠાવ્યો છે અને શંકા પણ વ્યક્ત કરી છે કે ચૂંટણી પંચ કદાચ કેન્દ્રમાં સત્તાધિશ ભાજપ તરફથી મંજૂરીની રાહ જોઈ રહ્યું હતું.

દિલ્હીના મુખ્ય પ્રધાન અને AAPના વડા અરવિંદ કેજરીવાલે ટ્વીટમાં કહ્યું છે કે, એકદમ આઘાતજનક બાબત છે. ચૂંટણી પંચ શું કરે છે? મતદાન પૂરું થઈ ગયાને અનેક કલાકો વીતી ગયા છે તે છતાં એ લોકો મતદાનની આખરી ટકાવારીના આંકડા શા માટે જાહેર કરતા નથી?

શનિવારે સાંજે 6 વાગ્યે મતદાન પૂરું થઈ ગયું હતું અને એ પછી તરત જ ચૂંટણી પંચે કહ્યું હતું કે 61.46 ટકા મતદાન થયું છે. જોકે સામાન્ય રીતે, ચૂંટણી પંચ અમુક સમય બાદ એ આંકડામાં ફેરફાર બતાવીને આખરી સત્તાવાર આંકડો રિલીઝ કરતું હોય છે, જે એણે ગઈ કાલે કર્યું નહોતું.