મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી મુંબઈ પોલીસના ટ્રાફિક વિભાગને મોકલવામાં આવી છે. આ ધમકી એક ઓડિયો સંદેશના રૂપમાં છે, જે મુંબઈ ટ્રાફિક પોલીસને એક વોટ્સએપ નંબર પરથી મોકલવામાં આવ્યો છે.
કોઈ અજાણી વ્યક્તિ તરફથી મોકલવામાં આવેલા સંદેશમાં જણાવવામાં આવ્યું છે કે ભાગેડૂ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ડી-ગેંગના બે આતંકવાદીને પીએમ મોદીની હત્યા કરવાની સોપારી આપવામાં આવી છે. એમના નામ છે – મુસ્તફા અને નવાઝ. જોકે ઓડિયો મેસેજ મોકલનારે પોતાનું નામ આપ્યું નથી. આ ઓડિયો ક્લિપ હિન્દીમાં છે. આ સંદેશને પગલે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતર્ક બની ગઈ છે.
