બરેલી (ઉત્તર પ્રદેશ): અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરને બોમ્બ ધડાકા વડે ઉડાવી દેવાની ગઈ કાલે સાંજે ફોન પર એક ધમકી મળ્યા બાદ ભારે ખળભળાટ મચી ગયો હતો. સુરક્ષાને લગતી બધી યંત્રણાઓને કામે લગાડવામાં આવી હતી. તે ધમકીભર્યો ફોન કોલ બરેલીમાંથી લખનઉ પોલીસ કન્ટ્રોલ રૂમને 112 નંબર પર કરવામાં આવ્યો હતો.
જે મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો હતો તે બરેલી જિલ્લાનો હતો. પોલીસે તે મોબાઈલ નંબરના આધારે બરેલી જિલ્લાના ફતેહગંજના ઈટોરિયા ગામના એક વિદ્યાર્થીને અટકમાં લીધો છે. ગ્રામિણ પોલીસ અને સર્વેલન્સ ટીમના જવાનો ગઈ કાલે રાતે જ તે મોબાઈલ ફોન જેના નામે રજિસ્ટર થયો છે તે ગિરીશ નામના છોકરાના ઘેર પહોંચ્યા હતા. ગિરીશે એમને કહ્યું કે, સાંજના સમયે એનો મોબાઈલ ફોન ઘરમાં એક છોકરા પાસે હતો. પોલીસે તરત જ 14 વર્ષના તે છોકરાને અટકમાં લીધો હતો. પૂછપરછ કરતાં એણે કહ્યું કે એણે યૂટ્યૂબ પર એક વીડિયો જોયો હતો અને પછી પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો હતો. પોલીસે જ્યારે એને નામ આપવાનું કહ્યું ત્યારે એ છોકરો ગભરાઈ ગયો હતો અને એણે કોલ કટ કરીને મોબાઈલ ફોન સ્વિચ ઓફ્ફ કરી દીધો હતો. તે છોકરો ઈટોરિયાનો જ રહેવાસી છે અને શાળામાં આઠમા ધોરણમાં ભણે છે.