તિરુવનંતપુરમઃ કેરળમાં કોરોના વાઇરસના નવા કેસોમાં છેલ્લા 24 કલાકમાં 30 ટકાનો વધારો નોંધાયો છે. એક દિવસમાં અહીં 31,000થી વધુ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. શું કેરળ ત્રીજી લહેરનું ઉદગમ સ્થાન બની રહ્યું છે? રાજ્ય સરકારે કોરોનાના કેસોમાં વધારા માટે ઓણમને જવાબદાર ઠેરવ્યો છે. રાજ્યમાં 19.03 ટકા પોઝિટવિટી રેટ સાથે 215 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં બુધવારે કોરોનાના 31,445 નવા કેસો નોંધાયા છે. જેથી કુલ સંક્રમિતોની સંખ્યા 38,83,429 થઈ ગઈ છે. આ સાથે કોરોનાથી મોતનો આંકડો અહીં 19,972એ પહોંચ્યો છે.
રાજ્યમાં 27 જુલાઈએ બકરી ઇદના ઉત્સવે કેટલાક દિવસો નિયંત્રણો હળવાં કરવામાં આવ્યા હતા, ત્યારે કેરળમાં પ્રતિ દિન આશરે 20,000ની આસપાસ કે 20,000થી વધુ કેસો નોંધાતા હતા. મંગળવારથી અત્યાર સુધી 20,271 લોકો સંક્રમણથી ઠીક થયા હતા. જેથી રાજ્યમાં કુલ ઠીક થનારા લોકોની સંખ્યા 36,92,628 અને સક્રિય કેસોની સંખ્યા 1,70,292 તઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1,65,273 પરીક્ષણ કરવામાં આવ્યાં હતા. અત્યાર સુધીમાં 3,06,19,046 નમૂનાઓની તપાસ થઈ ચૂકી છે.
સરકારી જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે થ્રિસુરમાં (3865), કોઝિકોડમાં (3680), મલ્લપુરમમાં (3502), પલક્કડ (2562), કોલમ (2479), કોટ્ટાયમ (2050), કન્નુર (1930) અલ્લાપ્પુઝા (1874), તિરુવનંતપુરમ (1700), ઇડુક્કી (1166) પઠામથિકા (1008) અને વાયનાડમાં (962) કોરોના કેસો નોંધાયા હતા.
કોરોનાના નવા કેસોમાં 123 આરોગ્ય કાર્યકર્તા પણ છે. આ ઉપરાંત રાજ્યની બહારથી 138 અને સંપર્કથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા 29,608એ પહોંચી છે. આ ઉપરાંત વિવિધ જિલ્લાઓમાં 4,70,860 દેખરેખ હેઠળ છે, એમાંથી 4,44,278 હોમ ક્વોરન્ટિનમાં છે તેમ જ 26,582 લોકો હોસ્પિટલોમાં છે.